વાંસદા તાલુકાના નેશનલ પાર્ક નજીક આવેલા સાદડદેવી ગામે પીવાના પાણીની બૂમરાણ વચ્ચે માત્ર એક જ બોરમાંથી મહિલાઓ પાણી ભરવા મજબુર બની છે. વાંસદાના સાદડદેવી ગામે વાસ્મોની નલ સે જલ યોજનાને પગલે ગામલોકોને પીવાના પાણી માટે વલખાં મારવા નહીં પડે એમ લાગતું હતું.
આ યોજના પૂર્ણ થયા બાદ પણ બોરીંગમાં પૂરતું પાણી નહીં મળતા વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી હતી. જેને પગલે ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરતા જણાય આવ્યું કે, નદી ફળિયામાં આવેલા બોરમાંથી ઘરે ઘરે પાઇપલાઇન કરવામાં આવી છે પરંતુ ઘર પાસે બનાવાયેલ ચકલીમાં આજદિન સુધી પાણી આવ્યું જ નથી.
અંબિકા નદીની બાજુમાં આવેલ સાદડદેવી ગામને પાણી તો જોવા મળે છે પરંતુ પીવા મળતું નથી. નદી ફળિયાની બહેનો આંગણવાડી પાસે આવેલા એકમાત્ર બોરીંગમાંથી પાણી ભરે છે પરંતુ આ બોરીંગમાં પાણી પૂરું થઈ ગયા બાદ ત્રણ કલાક રાહ જોયા બાદ પાછું પાણી ચાલુ થાય છે. વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે તાત્કાલિક વાસ્મોના અધિકારીઓ અને પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે, પાણીયાત્રા કરીને પાણીની સમસ્યાનો તાગ મેળવાશે અને પીવાના પાણી માટે ગામેગામ યાત્રા કરવામાં આવશે. આ મુલાકાતના કાર્યક્રમમાં રાજેશભાઈ તેમજ સાદડદેવીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.