તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાહિમામ:જીવતુ જોખમ : વાંસદાના ગામડાઓમાં છોડાયેલા ઢોરથી વાહનચાલકોમાં અકસ્માતનો વ્યાપેલો ભય

વાંસદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદાના કંડોલપાડા, રૂપવેલ અને લાખાવાડીમાં રખડતા ઢોરોનો વધી રહેલો ત્રાસ

વાંસદા તાલુકાના કંડોલપાડા, રૂપવેલ અને લાખાવાડી જેવા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ વધી જવા પામ્યો છે. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, ગણદેવી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર વાંસદા તાલુકાના કંડોલપાડા, રૂપવેલ અને લાખાવાડી ગામમાં છોડવામાં આવ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વાંસદા તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસથી રસ્તાઓ પર ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકોની ચિંતાનું મુખ્ય કારણ ખેતરમાં ઉભો પાક છે.

આ રખડતા ઢોરનો કોઈ માલિક હોતા નથી, જેના કારણે કોઈ એક જગ્યાએ આ ઢોર રહેતા નથી. વાંસદા તાલુકાના ગામડામાં મોટાભાગે ખેડૂતોની વસતિ હોય હાલ ખેતરમાં ડાંગરનો પાક લહેરાઈ રહ્યો છે, એવા સમયે ઢોરના કારણે ખેતરનો પાક બચાવવું સ્થાનિક લોકો માટે કપરું થયું છે. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આ રખડતા ઢોર ગણદેવી નગરપાલિકા દ્વારા અહીં છોડવામાં આવ્યા છે. હાલ લોકો આ રખડતા ઢોરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરાઈ રહી છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

મહામારીના મારમાં આર્થિક બોજો વેઠી ચૂકેલ આ ખેડૂતો માટે ખેતરમાં ઉભો પાક આશાનું કિરણ સમાન છે, માટે તેને બચાવવું પણ તેઓ માટે જરૂરી છે. હાલ લોકો સ્થાનિક જવાબદાર અધિકારી તરફ આશા સેવી રહ્યા છે કે એમની મુશ્કેલીઓનો અંત આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો પોતાના પાલતુ ગાય-ભેંસ આવી રીતે રસ્તા પર છોડી મુકતા નથી.

તાત્કાલિક ધોરણે ઢોર પાછા લઇ જાઓ
અમારા વાંસદા તાલુકાના ગામોમાં બહાર લાવીને ઢોર છોડી જાય છે એ યોગ્ય નથી. અહીં રખડતા ઢોરોના કારણે અહીં ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય છે તેમજ આ ઢોર રસ્તા પર ફરતા હોવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ રહે છે. જેથી ગણદેવી નગરપાલિકા દ્વારા જે આ ગામડામાં ઢોર છોડવામાં આવ્યા છે એ તાત્કાલિક પાછા લઈ જવામાં આવે નહિતર આવનારા દિવસોમાં ગણદેવી નગરપાલિકાની કચેરી આગળ લઈ જઈને બાંધી આવવામાં આવશે. - અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

શહેરમાંથી ગામડામાં લાવી ઢોર છોડાયા
શહેરમાંથી ગામડે લાવીને છોડી દેવાયેલ ઢોર શહેરની જેમ રસ્તા પર બેસી રહે છે, જેના કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યાં છે. શહેરમાં સ્ટ્રીટ લાઈટો હોય છે, જેના કારણે ઢોર રસ્તા પર દેખાય જાય છે, પરંતુ ગામડામાં સ્ટ્રીટ લાઈટના અભાવે અને આ ઢોર દેખાતા નથી અને રસ્તા પરથી ખસતા પણ નથી. એવામાં સામસામે ગાડી આવતી હોય તો લાઈટના કારણે ઢોર દેખાતા નથી અને અકસ્માત સર્જાય છે, એની જવાબદારી કોની ? - પ્રવિણભાઈ પટેલ, માજી સરપંચ, કંડોલપાડાફોટો

અન્ય સમાચારો પણ છે...