આંદોલનની ચીમકી:ઉપસળમાં ગારાવાડા પુલ પર સેફ્ટી ગ્રીલ તૂટી જતા લોખંડની નાંખવા ગામલોકોની માગ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેફ્ટી ગ્રીલના અભાવે ચોમાસામાં વધુ પાણી આવવાથી ગારાવાડાના પુલ પરથી પસાર થવું ભયજનક

વાંસદા તાલુકાના ઉપસળ ગામે આવેલ રાણી ફળિયા અને ઉપસળ ગામની વચ્ચે આવેલ ગારાવાડા નામના સ્થળે વર્ષો જૂનો પુલ આવેલો છે. જેનો ઉપયોગ ગામના મોટાભાગના લોકો વાંસદા આવવા જવા માટે કરે છે. એ પુલ ઉપરના સેફ્ટી માટે બનાવવામાં આવેલી ગ્રીલ તૂટી ગઈ છે, જ્યાં સ્ટીલ કે લોખંડની ગ્રીલ નાખવાની માંગ ગામલોકો દ્વારા કરવામાં આવી રહી છે. દર ચોમાસા દરમિયાન અહીં અનેક અકસ્માતની ઘટના નોંધાઈ હોવાના કારણે લોકોમાં અહીંથી પસાર થતી વખતે ભયનો માહોલ જોવા મળે છે.

વાંસદા તાલુકાના ઉપસળ ગામે ગારાવાડા ખાતેનો પુલ ઉપસળ ગામના આશરે 2 હજારથી વધુ લોકોના આવાગમન માટે જરૂરી બની ગયો છે. વાંસદા જવા માટે ઉપસળ ગામના લોકોનો સૌથી વધુ નજીક અને શોર્ટકટ હોવાથી મોટાભાગના લોકો અહીંથી જવાનું પસંદ કરે છે. અહીંનો પુલ નીચો હોવાના કારણે ચોમાસા દરમિયાન સૌથી પહેલા પાણી આ પુલ પરથી જ પસાર થવા લાગે છે, ત્યારબાદ ઓઝર નદી પર બનાવાયેલ પુલ પરથી પસાર થવા માટે ઘણું લાબું અંતર કાપવું પડે છે. જો વધુ વરસાદ દરમિયાન જો આ પુલ પર પાણી ચડી જાય તો અહીં દ્વિપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

લોકોનો અન્ય ગામના લોકો સાથેનો સંપર્ક તૂટી જાય છે, જેના કારણે ગારાવાડા પાસે આવેલ આ પુલની ઉંચાઈ વધારવાની લોકો છેલ્લા કેટલાય સમયથી માગ કરી રહ્યાં છે. વર્ષો જુના આ પુલની હાલત ખરાબ થઈ ચૂકી છે, સેફ્ટી ગ્રીલ પણ તૂટી ગઈ છે, જેના કારણે ફોર વ્હીલર ગાડી પણ અહીં પાણીમાં વહી જઈ ડૂબી જવાની ઘટના બની ચૂકી છે, જેના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવામાં લોકો ભયનો અનુભવ કરે છે. જવાબદાર તંત્ર ગામલોકોની ઈચ્છાને માન આપી યોગ્ય કાર્યવાહી હાથ ધરે અને અહીં લોખંડની ગ્રીલ નાખવામાં આવે એવી માંગ ઉપસળ ગામના લોકો કરી રહ્યાં છે.

ઘણી વખત એવું બને છે કે, સવારે કામથી કે ધંધા-રોજગાર માટે બહાર વાંસદા ગયા હોય અને પુલ ઉપરથી પાણી જવા લાગે તો લોકોએ નદીની બીજી બાજુ ઉભા રહી રાહ જોવાનો વારો આવતો હોય છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત અહીં રાખવામાં આવેલી બારી જે અજાણ્યા શખ્સો દ્વારા ખોલી દેવાઈ રહી છે, જેના કારણે પણ ઉપસળ ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ગામના આગેવાનોએ આપી હતી.

સેફટી માટેના થાંભલા પણ તૂટી ગયા છે
હું વાંસદા કામ કરવા માટે જાઉં છું, રોજના આ ગારાવાડા (કાવેરી નદી) થઈને જ જવાનું થાય છે. પુલ ઘણો નીચો છે અને બાજુમાં બનાવાયેલ સેફ્ટી માટેના થાંભલા પણ તૂટી ગયા છે. ચોમાસામાં વરસાદ વધારે હોય ત્યારે અહીંથી જીવના જોખમે પસાર થવાનો વારો આવે છે. પુલની ઉંચાઈ વધારવામાં આવે અથવા સેફ્ટી ગ્રીલ લોખંડની લગાવાય એવી જ માંગ છે. - કનુભાઈ ડી. પટેલ, સ્થાનિક, ઉપસળ

અન્ય સમાચારો પણ છે...