વાંસદા તાલુકામાં ભારે વરસાદના કારણે વાંસદા નગરના મુખ્ય રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. વાહનચાલકોને વાહન ક્યા વાહન હંકારવુ એ પ્રશ્નો ઉભો થયો છે. ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડા એ નક્કી કરવું મુશ્કેલ થયું છે.વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા ભારે વરસાદના પગલે ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. ભારે વરસાદના કારણે વાંસદા નગરનો મુખ્ય રસ્તો જે વાંસદા તાલુકા પંચાયત કચેરીથી લઈ જુના દરબાર (જુના બસ ડેપો) સુધી રસ્તો અત્યંત ખરાબ થયો છે, ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે.
જેના કારણે કચેરીમાં આવતા લોકોને તેમજ વાંસદા નગરમાં આવતા તમામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત પ્રતાપ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ખાડાઓમાં ભરાયેલ પાણીથી પોતાનો યુનિફોર્મ પણ સાચવવું અઘરું બની ગયું છે.
વિદ્યાર્થીથી લઈ ગામડાના લોકો તેમજ સ્થાનિકો ખાડાથી ત્રસ્ત બન્યા છે. તંત્ર દ્વારા એકવાર બ્લોક નાખી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ખાડા વધી જવાથી અને તંત્ર દ્વારા નાંખવામાં આવેલ બ્લોક ખાડામાં બેસી જવાથી પરિસ્થિતિમાં કોઈ સુધાર જોવા મળ્યો ન હતો. લોકોને પડતી હાલાકીમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો જ થયો છે. સરકારના વિકાસના દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં મજાક ઉડાવાઇ રહી છે
વાંસદા નગરના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ થઈ ગયા છે, કેટલાય લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. સોશિયલ મીડિયામાં અહીંના ફોટા ચન્દ્રની સપાટી જેવા છે એમ કહીં મજાક ઉડાવાઈ રહી છે. તંત્ર આ બાબતે જલદી કામ કરી નિકાલ લાવે એ જરૂરી બન્યું છે. - રાજુભાઈ પટેલ, બાઈકચાલક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.