વાંસદા તાલુકાના કુરેલીયા ગામે તાડ ફળિયામાં આશરે 15 જેટલા પરિવારો વસવાટ કરે છે. તેઓ એકમાત્ર રસ્તાનો ઉપયોગ કરતા હતા. જેમાં ખાનગી માલિક દ્વારા ત્રણ વર્ષ આગાઉ તારનું ફેન્સિંગ કરી દઇ રસ્તો બંધ કરી દેતા આ પરિવારોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
વાંસદા તાલુકાના કુરેલીયામાં તાડ ફળિયામાં 15 જેટલા પરિવારો ખેતી તેમજ પશુપાલન કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ એકમાત્ર રસ્તાનો ઉપયોગ કરતા હતા તે ખાનગી માલિક દ્વારા 3 વર્ષ અગાઉ બંધ કરી દેવાતા ખેતીકામ માટે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ચોમાસામાં અહીંના લોકોએ મોટા ટેકરા પાસે આવેલી કોતર પર વાંસનો પુલ બનાવી અવર જવર કરવું પડે છે.અહીંના પરિવારોના બાળકો જાનના જોખમે અવરજવર કરતા હોય છે.
રસ્તા બાબતે અગાઉ અહીં રહેતી વૃદ્ધ મહિલાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બાદમાં સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હતું અને તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી આ પરિવારોને અવરજવર માટે રસ્તો આપવાનું આશ્વાસન અપાયું હતું. આ અંગેનો અહેવાલ અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ વાંસદામાં મામલતદાર દ્વારા આગેવાનોને બોલાવી રસ્તા બાબતે સુખદ નિરાકરણ કરવાનું જણાવ્યું હતું પરંતુ ત્રણ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં અહીંના રહીશોને રસ્તા બાબતે માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું છે.
હાલમાં સરકાર લોકોની સુખાકારી માટે દેશમાં મોટા હાઇવે તથા બુલેટ ટ્રેન દોડાવવાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટો થઈ રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આવા ગરીબ પરિવારો માટે સરકારના અધિકારીઓ માત્ર આશ્વાસન આપી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. રસ્તા બાબતે કોઈ સુખદ નિરાકરણ નહીં આવતા તાડ ફળિયાના લોકોમાં રોષ ફેલાયો છે.
ત્રણ વર્ષમાં 3 મામલતદાર બદલાયા પણ સમસ્યા ઠેરની ઠેર
કુરેલીયા તાડ ફળિયાના રહીશો ત્રણ વર્ષથી રસ્તા બાબતે મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેમાં ત્રણ વર્ષમાં ત્રણ મામલતદાર બદલાયા, જેમાં બે મામલતદારો ચાર્જમાં હતા. જેથી તેઓએ આ બાબતે કોઈ રસ દાખવ્યો નથી તેમજ હાલમાં વાંસદામાં મામલતદાર ની નિયુક્તિ થઇ છે. તેમણે આ રસ્તાની માંગણીને લઈ સુખદ નિરાકરણ કરવાની વાત કરી હતી.
આગામી 11મી તારીખે સુનાવણી રાખવામાં આવી છે
કુરેલીયા તાડફળિયાના રહીશોએ રસ્તા બાબતે અરજી આપેલી છે. જેની સુનાવણી 11 તારીખે રાખેલી છે. જેમાં બંને પક્ષોની દલીલ સાંભળી રેકર્ડ જોઈ સ્થળ નિરીક્ષણ કરી આ બાબતે સુખદ નિરાકરણ કરવામાં આવશે. >એમ.એસ.વસાવા, મામલતદાર, વાંસદા
ગરીબ પરિવારોનું કોઈ સાંભળતું નથી
ત્રણ વર્ષથી આવાગમનના રસ્તામાં ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જેને લઈ મુશ્કેલી પડી રહી છે. અમારા ફળિયામાં બીમાર વ્યક્તિ હોય તો 108 પણ આવી શકતી નથી. બીમાર વ્યક્તિને ખાટલામાં કે ઝોળી કરીને લઈ જવુ પડે છે. ચોમાસામાં ખેતી વિષયક કોઈ કામ થતું નથી. કોતર પર રસ્તો બનાવી અવર જવર કરવું પડે છે, ટેકરાને કારણે પડવાનો ભય સતાવે છે. ત્રણ વર્ષથી આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તંત્રના અધિકારીઓ માત્ર રસ્તા બાબતે આશ્વાસન આપે છે પરંતુ ત્રણ વર્ષથી રસ્તા બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. ગરીબ પરિવારોનું કોઈ સાંભળતું નથી. > રતિલાલ પટેલ, સ્થાનિક,તાડ ફળિયા
યુદ્ધના ધોરણે સુખદ નિરાકરણ કરાશે
કુરેલીયા તાડ ફળિયાના રહીશોને રસ્તા બાબતે જે હાલાકી પડી રહી છે. તેને લઈ અમે કુરેલીયા સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય સાથે સ્થળ નિરીક્ષણ કરી તાડ ફળિયાના રહીશોની મુલાકાત લઈ આ બાબતે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સાથે રૂબરૂ ચર્ચા કરી ફળિયાના રાહીશોની રસ્તાની માંગણીનું યુદ્ધના ધોરણે સુખદ નિરાકરણ કરવામા આવશે. > પીયુષભાઈ પટેલ, ભાજપ કાર્યકર્તા, વાંસદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.