સમસ્યા:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે બાળકની મર્યાદાનો કાયદો દૂર કરો

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા-ચીખલીના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

વાંસદા-ચીખલીના ધારાસભ્ય દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકની મર્યાદાનો કાયદો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકની મર્યાદાનો કાયદો દૂર કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ-1993માં ભૂતકાળમાં સુધારો કરવામાં આવેલો, જે અન્વયે 4 ઓગસ્ટ,2005 બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા કોઈપણ ઉમેદવાર બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી. આ કાયદો વસતિ નિયંત્રણના હેતુસર કરવામાં આવ્યો હોય તો માત્ર આ કાયદાથી હેતુ સિદ્ધ થતો નથી. વસતિ નિયંત્રણ માટે સમયમર્યાદા નક્કી કરી તે દિવસ તારીખથી જે કોઈ વ્યક્તિને બે કરતા વધુ બાળકો હોય તેને સરકારી યોજના અને લાભોથી વંચિત રાખવામાં આવે તેવો નિયમ હોવો જોઈએ. સરકારી યોજનાઓની સબસિડી, રેશનકાર્ડથી મળતા અનાજના લાભ સરકારી નોકરીઓ અથવા તો તેમના બાળકોને મળતા વિવિધ સરકારી લાભ ન આપવામાં આવે તો જ વસતિ નિયંત્રણ થઈ શકે તેમ છે. માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાથી વસતિ નિયંત્રણ થઈ શકે તેમ નથી પરંતુ આ કાયદાના કારણે જાહેર જીવનમાં વિવિધ રાજકીય પક્ષોના માધ્યમથી ભોગ આપતા યુવાનો અને અગ્રણીઓ સ્થાનિક સ્વરાજ્યમાં પ્રતિનિધિત્વથી વંચિત રહી જાય છે. આ કાયદાના કારણે ઘણી મહિલાઓ પણ પ્રતિનિધિત્વની તક ગુમાવી રહી હોવાથી કોઈપણ રાજકીય મતમતાંતર રાખ્યા વિના આ કાયદો સત્વરે દૂર કરવો અતિ આવશ્યક છે. આદિવાસી વિસ્તારમાં જૂની અને પરંપરાગત રૂઢીઓને કારણે આ કાયદાના કારણે ચૂંટણીમાં સારા અને કાબેલ વ્યક્તિઓ વંચિત રહી જાય છે. આથી આ અંગે પરામર્શ કરી જાહેરાત કરવી અત્યંત જરૂરી છે. જેથી આ કાયદામાં ફેરફાર કરી સંવેદનશીલ કાર્યશૈલીને પુન: એકવાર પૂરવાર કરશો તેવી આશા વ્યક્ત કરતો પત્ર મુખ્યમંત્રીને પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...