તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાંસદામાં લોનના હપ્તાની ધાકધમકીથી વસૂલાત કરાતી હોવાની ધારાસભ્યને રાવ

વાંસદા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં હપ્તા ન ભરી શકનારા સામે ખાનગી ફાયનાન્સ કંપનીના એજન્ટોનું ઉદ્ધત વર્તન
  • કંપની ઘરે ઘરે 30 હજારની લોન આપીને મોટું વ્યાજ વસૂલ કરતી હોવાની ઉઠેલી બૂમરાણ

વાંસદા ચીખલી તાલુકામાં બિલાડીની ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલી ખાનગી નાણાં ધીરનારની એજન્સીઓ અને ખાનગી બેંકો દ્વારા લોભામણી જાહેરાતો થકી વાંસદાના લીમઝર વિસ્તારોમાં મહિલા ગ્રૂપ બનાવીને ખાનગી લોન મોટા વ્યાજે આપવાનું કામ ફાયનાન્સ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ ફાયનાન્સ કંપનીઓ આદિવાસી પશુપાલકો, નાના ધંધા રોજગાર અને ખેત મજૂરોને 24% વ્યાજે આપવામાં આવે છે અને એની હપ્તાની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. કોરોના કાળમાં હપ્તા ભરી નહીં શકનારા લોકો સામે ખાનગી ફાયનાન્સ કંપનીના એજન્ટો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં લીમઝરમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં નાના ધંધા-રોજગાર, ખેત મજૂરો, નાના ખેડૂતો હેરાન પરેશાન છે. નાણાંકીય તંગીના કારણે આવી ફાયનાન્સ કંપનીના ખપ્પરમાં ભેરવાયા છે ત્યારે આવી કંપની ઘરે ઘરે 25 કે 30 હજારની લોન આપીને મોટું વ્યાજ વસૂલે છે. સાથે સાથે ગરીબ મજૂરોને ધમકી આપવામાં આવે છે જેથી વ્યથિત લોકોએ ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી હતી.

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ખાનગી ફાઈનાન્સ કંપની વધારે ગ્રામ્ય લોકોને નાણાં ધીરે છે ત્યારે ગામના સરપંચ અને સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવી જોઈએ અને ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા અવારનવાર છેતરપિંડી કરવામાં આવે છે. તાલુકાના મામલતદાર તેમજ પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓએ પણ આ બાબતમાં ધ્યાન આપી ચિટીંગ કરનાર ફાયનાન્સ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ ખેડૂતોની મિટીંગમાં માજી તા.પં.પ્રમુખ ચંપાબેન, તા.પં. સભ્ય હસમુખભાઈ, રૂમશીભાઈ, કમલેશભાઈ, વિજયભાઈ, શૈલશભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...