વાંસદા તાલુકાની મધ્યાહન ભોજન મહિલા કર્મચારીઓ દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં મધ્યાહન ભોજન કર્મચારીઓના પગારનો મુખ્ય મુદ્દો રખાયો હતો. મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન કર્મચારીઓ રેલીમાં હાજર રહ્યા હતા. હનુમાનજી મંદિર પાસેથી કર્મીઓની ‘પગાર આપો નહીં તો ખુરશી ખાલી કરો’, ‘મહિલાઓને ન્યાય આપો’ના નારાઓ સાથે રેલી નીકળી હતી.
વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન કર્મચારી બહેનો સાથે સરકાર અન્યાય કરી રહી છે, મનરેગાના મજૂરો જેટલું પણ વેતન આપતી નથી. મહિલાઓના શોષણ માટે માત્રને માત્ર સરકાર જવાબદાર છે. ઘર ચલાવવું મોંઘવારીના સમયમાં ખૂબ જ મુશ્કેલ થતું જાય છે. એમને કાયમી કરવાની માંગણી કરી છે, માંગણી નહીં સંતોષાય તો નવસારી જિલ્લાના મધ્યાહન ભોજન કર્મચારી મહિલાઓ સાથે રોડ પર ઉતરીશું.
અન્ય જિલ્લાઓમાં શાળામાં જ ભોજન બનાવાય છે, ત્યાંના કર્મચારીઓને 4 હજાર જેટલો પગાર મળે છે, માત્ર નવસારી જિલ્લામાં જ મધ્યાહન ભોજનના કર્મચારીઓને આ મુશ્કેલી છે. આ પ્રસંગે મધ્યાહન ભોજન કર્મચારી સરસ્વતીબેને જણાવ્યું હતું કે, રૂ. 1400 પગારમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. ગેસનો સિલિન્ડર રૂ. 1030નો છે ત્યારે મોંઘવારીના કારણે ઘર ચલાવવું દોજખ બની રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.