વાંસદા વિસ્તારના ઘણાં વિદ્યાર્થીઓ રાજકોટ, ગોંડલ, ભાવનગર, રાજપીપળા, બરોડાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા હોય છેલ્લા ઘણાં સમયથી એસ.ટી.બસો બંધ રહેતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. બસો શરૂ નહીં કરાશે તો વાલીઓ વિવિધ ગામના લોકો સાથે મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.
ચોમાસામાં વધુ વરસાદને પગલે સાપુતારા પાસે ભેખડ ધસી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. લગભગ 5 માસથી મોટા વ્હિલના વાહનો માટે આ રસ્તો સદંતર બંધ કરાયો હતો. હાલમાં વરસાદ પૂર્ણ થયાને લગભગ માસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં ડાંગ વહીવટીતંત્ર દ્વારા આ રસ્તો ચાલુ કરાયો નથી. જેને લઈને વાંસદા તાલુકામાંથી મહારાષ્ટ્ર તરફ જતી અને મહારાષ્ટ્ર તરફથી આવતી વિવિધ રૂટની સુરત નાસિક, ગોંડલ-નાસિક, ભાવનગર-શિરડી, બરોડા-શિરડી, રાજપીપળા-નાસિક સહિતની અન્ય વિવિધ એસ.ટી.બસો વાયા વલસાડ થઈને દોડાવવામાં આવી રહી છે.
વાંસદા અને ડાંગ વિસ્તારના ઘણા વિદ્યાર્થી-વિદ્યાર્થ િનીઓ રાજકોટ, ગોંડલ, રાજપીપળા વિસ્તારમાં અભ્યાસ કરવા જતા હોય છે. આ તમામ એસ.ટી.બસો બંધ થતાં વિદ્યાર્થીઓને જવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. ટ્રેનોમાં ટિકિટ મળતી નથી, જેને પગલે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારના વિદ્યાર્થીઓ રાજકોટ તરફ જવા માટે પણ હાલાકી પડી રહી છે. ડાંગ વહીવટી તંત્ર વહેલી તકે આ માર્ગ શરૂ કરાવે એવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માગ છે.
બસો શરૂ કરવામાં નહીં આવે તો રાજકીય પક્ષનો વિરોધ
આ રાજકોટ, ભાવનગર, રાજપીપળા, ગોંડલ અને મહારાષ્ટ્ર તરફ જતી એસટી બસો શરૂ કરવામાં નહીં આવશે તો અમે ગામલોકો સાથે મળી રાજકીય પક્ષોનો વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરીશું.- રમણભાઈ પટેલ, વિદ્યાર્થી, રાજકોટ કોલેજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.