ધમકી:વાંસદામાં મરજી વિરૂદ્ધ લગ્ન કરનાર યુવતીના પિતા સહિત અન્યનો પતિ-દિયર પર હુમલો

વાંસદા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોકરીનો પરિવાર યુવાનના ઘરે પહોંચ્યો ને દીકરી પાછી આપવા ધમકી આપી હતી
  • યુવતીની પિતા, ભાઈ વગેરે સામે ફરિયાદ, પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો

વાંસદા તાલુકાના ચારણવાડા ગામની એક યુવતીએ વાંસદાના પાટા ફળિયામાં રહેતા યુવક જોડે પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. યુવતીના પિતા, ભાઈ, કાકા સહિત અન્ય માણસોએ પાટા ફળિયા છોકરીના સાસરે પહોંચી અમારી દીકરી આપી દો કહીં દિયર તથા પતિ સાથે મારામારી કરી ધમકી આપી હતી. વાંસદા પોલીસ મથકે પિતા, ભાઈ, કાકા તથા અન્ય માણસો સામે છોકરીએ રાયોટીંગનો ગુનો નોંધાવ્યો હતો.

વાંસદા પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના ચારણવાડા ગામે રહેતા મહેશભાઈ કડવાની પુત્રી હેમાંગીબેને 21મી એપ્રિલ 2022ના રોજ વાંસદાના પાટા ફળિયામાં રહેતા હિરલભાઈ પટેલ સાથે પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા જે લગ્ન પિતા સહિત પરિજનોને ગમ્યાં ન હતા. હેમાંગીબેન પતિ સાથે વાંસદાના પાટા ફળિયા પોતાની સાસરીમાં રહેતા હતા.

12મી મેના રોજ રાત્રે 8 કલાકે હેમાંગીબેન અને પતિ હિરલભાઈ સાથે ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા અને દિયર ધર્મેશભાઈ ઘરની બહાર બેઠા હતા. દરમિયાન મહેશભાઈ કડવા તથા એમનો પુત્ર ઉજ્જવલ, કમલેશભાઈ જગુભાઈ કડવા (રહે. ચારણવાડા), ચિંતુભાઈ (રહે. વડલી ફળિયા), દિલીપભાઈ તથા ચારણવાડા ગામના અન્ય માણસો સાથે આવી દિયર ધર્મેશભાઈને અમારી દીકરી એમને આપી દો નહિતર તને અને તારા ભાઈને આજે જીવતા નહીં છોડવાના તેમ કહીં ઢીકમુક્કીનો માર મારતા હતા.

હિરલભાઈ તેમના ભાઈ ધર્મેશને છોડાવવા જતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. યુવતીના કાકા કમલેશભાઈ, ભાઈ ઉજ્જવલ તથા મહેશભાઈએ ધર્મેશને ઢીકમુક્કીનો માર માર્યો હતો. તેઓએ બાદમાં પતિ હિરલભાઈને ઘરની દિવાલ પાસે માથું જોરથી ભટકાવીનું કહ્યું હતું કે અમારી દીકરી અમને આપી દો નહિતર તને અને તારા ભાઈ ને આજે જીવતો નહીં છોડવાના તેમ કહી થાપટો મારી હતી. તેઓ લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી કાચની બારીઓ તોડીને નુકસાન કર્યું હતું.

ઝઘડાને પગલે ઘરની બાજુમાં રહેતા કનૈયાભાઈ પટેલ, સુમીબેન પટેલ, અર્જુનભાઈ પટેલ તથા જીગ્નેશ જયેન્દ્રભાઈ ધસી આવતા તેઓ ગાડીમાં જતા રહ્યાં હતા. હિરલભાઈ અને ધર્મેશભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હેમાંગીબેન પટેલે વાંસદા પોલીસ મથકે પિતા, ભાઈ, કાકા સહિત અન્યો સામે ગુનો નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વાંસદા પંથકમાં બનેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પિતાની મરજી વિરૂદ્ધ દીકરીએ લગ્ન કરતા આક્રોશમાં આવી જઇ પરિવારના સભ્યોઅે ઉઠાવેલુ પગલુંને લઇ તેમની સામે ગુનો નોંધાયો હતો. જેને લઇ પરિવારના સભ્યોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ પ્રકરણમાં રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...