વાંસદાના ધારાસભ્ય સાથે નવસારીમાં જેટકોના કર્મચારીઓ સાથે રેલી દરમિયાન પોલીસ ગેરવર્તન કરતા પીઆઇને સસ્પેન્ડ કરવા આદિવાસી સમાજે વાંસદા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વાંસદા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનોએ મિટીંગ કરી ‘સરકાર હમ સે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ’ જેવા વિવિધ નારાઓ સાથે રેલી કાઢી વાંસદા નાયબ મામલતદાર પિયુષ પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મંગળવારે જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓ હક અને અધિકારની માંગણી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે ધારાસભ્ય અનંત પટેલ સાથે મિટીંગ કરી રહ્યા હતા.
એ દરમિયાન નવસારી એલસીબીના પીઆઇ દીપક કોરાટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આયોજનપૂર્વક ગળેથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવતા આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાયો છે. જેટકો કર્મચારીઓ અને પત્રકારો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યો હતુંય જેને લઈ સ્થળ પર વાતાવરણ તંગ બન્યું હતું.
આદિવાસી સમાજની એકજ માંગણી છે કે આવું કૃત્ય કરનાર LCB પીઆઈ દિપક કોરાટને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર આદિવાસી સમાજની માંગણી છે. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય સાથે એવું વર્તન કરનાર પીઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે નહીં તો ગામે ગામ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.