સેવા જ પરમો ધર્મ:વાંસદા મામલતદાર કચેરીમાં અરજદારો માટે મંડપ અને મફતમાં પાણી અને ઠંડી છાશની વ્યવસ્થા ઉભી કરાઈ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાંસદા મામલતદાર કચેરીએ પહોંચેલા લોકો છાશનો લાભ લેતા નજરે પડે છે. - Divya Bhaskar
વાંસદા મામલતદાર કચેરીએ પહોંચેલા લોકો છાશનો લાભ લેતા નજરે પડે છે.
  • શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી દાખલા કઢાવવા આવતા વાલીઓને મોટી રાહત

વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મહત્તમ કચેરીઓ આવેલી છે અને હાલમાં તાપમાન આસમાને પહોંચ્યું છે અને લોકો ગરમીથી તોબા પોકારી રહ્યાં છે ત્યારે વાંસદા કચેરીમાં મામલતદારે અરજદારો માટે ગરમીથી બચવા માટે મંડપ, ઠંડા પાણી તથા છાશની વ્યવસ્થા કરતા અરજદારોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મહતમ કચેરીઓ આવેલી છે. વાંસદા 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો ટ્રાયબલ વિસ્તાર છે, 86 ગ્રામ પંચાયતો ધરાવતા તાલુકામાં છેવાડાના અરજદારો કચેરીમાં કામ માટે આવતા હોય છે. હાલમાં શાળા-કોલેજોના એડમિશન માટે વિદ્યાર્થી-વાલીઓ સાથે દાખલા મેળવવા માટે આવતા હોય છે. આખો દિવસ અરજદારોની અવરજવર રહેતી હોય છે. આ વર્ષે તાપમાનમાં પલટો આવતા ગરમીમાં વધારો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષો બાદ કાળઝાળ ગરમી પડી રહી છે. વાંસદા તાલુકા સેવાસદનમાં આવતા અરજદારો માટે મામલતદાર મનસુખભાઈ વસાવાએ ખુરશી સાથે બેઠક વ્યવસ્થા, મંડપ, ઠંડા પાણી તથા ઠંડી છાશની વ્યવસ્થા ઉભી કરાવી છે. આ વ્યવસ્થા ઉભી કરાતા અરજદારોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ સાથે હજુ કળિયુગમાં પણ માનવતા મરી પરવારી નથી એવું અરજદારો જણાવી રહ્યાં છે.

એકમાત્ર માનવ સેવાની જ ભાવના
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. શાળામાં એડમિશન માટે અરજદારો સહિત વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે તાલુકા સેવા સદનમાં આવી રહ્યાં છે. એક માનવ સેવાની ભાવનાથી 16મી મેના રોજથી મંડપ, પાણી તથા છાશની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરજદારો પણ તેનો લાભ લઇ રહ્યાં છે. -મનસુખભાઈ વસાવા, મામલતદાર, વાંસદા તાલુકા

માનવતાની મહેંક પ્રસરાવી છે
તાલુકા સેવા સદનમાં પહેલીવાર અરજદારો માટે મંડપ અને બેઠક વ્યવસ્થા, ઠંડા પાણી સાથે છાશની વ્યવસ્થા જોવા મળી છે. ખરેખર આવી વ્યવસ્થા ઉભી કરી માનવતાની મહેંક પ્રસરાવી છે. - રાજુભાઈ પટેલ, માજી સરપંચ,હનુમાનબારી

અન્ય સમાચારો પણ છે...