તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણની જ્યોત પ્રગટાવી:આવનાર યુવાપેઢી સમાજમાં શિક્ષણ થકી પરિવર્તન લાવે તે માટે વાંદરવેલામાં વાંચનાલયનો પ્રારંભ કરાયો

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવનાર યુવાપેઢી સમાજમાં શિક્ષણ થકી પરિવર્તન લાવે તે માટે વાંદરવેલામાં વાંચનાલયનો પ્રારંભ કરાયો

‘શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય છે.’ નેલ્સન મંડેલાના આ સુવાક્યને ચરિતાર્થ કરવા અને આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ જવલંત બનાવી, આવનાર યુવાપેઢી સમાજમાં શિક્ષણના માધ્યમથી પરિવર્તન લાવે એવા ઉદ્દેશ સાથે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે.

આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી પરિવર્તનની દિશામાં પગલું ભરવા, આદિવાસી યુવાનોમાં સ્વશિક્ષણ પેદા કરવા, આ હરિફાઈવાળા યુગમાં આદિવાસી યુવાન વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક વલણ વિકસાવવા જ્ઞાન મળી રહે, દુનિયામાં રોજેરોજ બનતી નવી-નવી ઘટનાઓથી આદિવાસી યુવાનોને માહિતગાર કરવા અને આદિવાસી સમાજને માહિતીપ્રદ સમાજ બનાવવાનો પ્રયાસ વાંસદાના પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા વાંચનાલય અને પ્રશિક્ષણનો પ્રારંભ વાંદરવેલા ગામમાં કરાયો હતો.

વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરુ થયેલું વાંચનાલય અને પ્રશિક્ષણ કેન્દ્ર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે અને એમાં દક્ષિણ ગુજરાતમાં લોકઘડતરની સાથે રોજની માહિતી આપતા સમાચારપત્રો, સ્પર્ધાત્મક તૈયારી માટેના પુસ્તકો અને સ્વશિક્ષણમાં પ્રેરણા પૂરૂં પાડતાં પુસ્તકો, બાળ સાહિત્ય વગેરે સાહિત્ય રાખવામાં આવશે. જેથી તમામ આદિવાસી યુવાનો, બાળકો અને વડીલોમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ અને આદિવાસી સમાજમાં પરિવર્તનની આશા ધુંધળી બનતી રોકી શકાય.

કોઇપણ ચાર્જ વસૂલવામાં આવતો નથી
ડો. બાબાસાહેબ આંબેડકરે કહેલું કે, શિક્ષણએ સિંહણનું દૂધ છે જે લેશે એ ગર્જના કરી શકે. એના માટે વાંસદાના પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા વાંચનલય ચાલુ કરવામાં આવ્યું છે. આ માટે ગ્રામ પંચાયતનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. અહીં આવી વિદ્યાર્થીઓ વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે છે. તેમના માટે માર્ગદર્શનની પણ વ્યવસ્થા કરાશે, અહીં વાંચન કરવા આવનાર પાસે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી.- લાલજીભાઈ પટેલ, ગામ આગેવાન અને રિટાયર્ડ શિક્ષક

મોટીવેટ પણ કરવામાં આવે છે
અહીંય વાંચવા માટે સારું એવું વાતાવરણ મળી રહે છે તેમજ સમયે સમયે શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. અમને મોટીવેટ પણ કરવામાં આવે છે. અમને કોઈ વિષયમાં પ્રશ્નો હોય તો તેને સોલ્વ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં વાંચવા આવનાર પાસેથી કોઈપણ ફી લેવામાં આવતી નથી. મારી ઈચ્છા તો એવી છે કે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીં આવે અને વાંચવાનો લાભ લે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી સમાજને નવી રાહ ચીંધે. - કાજલ પટેલ, યુપીએસસી એસ્પેરેન્ટ

અન્ય સમાચારો પણ છે...