વધામણાં:જૂજ ડેમ છલકાયાના જૂજ કલાકોમાં કેલીયા ડેમ પણ ઓવરફ્લો, નવા નીરના વધામણાં

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના જૂજડેમ ઓવરફ્લો થયા બાદ બુધવારે સવારે 5 કલાકે કેલીયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. વિવિધ પિયત મંડળીઓ સહિત રાજકીય આગેવાનોએ ડેમના નવા નીરને પુષ્પ અને શ્રીફળથી વધામણાં કર્યા હતા. વાંસદા તાલુકાના જૂજડેમ ઓવરફલો થયા બાદ બુધવારે વહેલી સવારે 5 કલાકે 5 સે.મી.થી કેલીયાડેમ ઓવરફ્લો થતા કુદરતી જાને હાર-તોરણ જેવા પાણીના મોજા નીચે આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.

કેલીયા ડેમ ઓવરફલો થતા નિચાણવાળા 23 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. કેલીયા ડેમની ઓવરફ્લોની સપાટી 113.40 મીટર છે, જેની સામે મળસ્કે 5 કલાકે 113.45 મીટરથી ઓવરફ્લો શરૂ થયો હતો. જેને લઈ કેલીયા સિંચાઈ વિભાગના અધિકારી વિમલ પટેલ, જૂજ ડેમના સિંચાઈના એચ.એમ.ગાવિત અને યુર્વિશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેલીયા ડેમ ઉપર પહોંચી પુષ્પ અને શ્રીફળ ચડાવી ડેમમાં આવેલા નવા નીરના વધામણાં કર્યા હતા.

3 તાલુકાના 3170 ખેડૂતને સિંચાઇનો લાભ મળી શકશે
વાંસદા તથા ચીખલી ગણદેવી તાલુકાના ખેડૂતોને આ ડેમમાં સંગ્રહાયેલા પાણીથી સિંચાઈનો લાભ મળશે. જેમાં વાંસદાના 550 ખેડૂત અને ચીખલી તાલુકાના 2600 ખેડૂત અને ખેરગામ તાલુકાના 20 ખેડૂતો ખેતી માટે જરૂરી સિંચાઈ માટે આ પાણી મેળવી પાકને પોષણયુક્ત બનાવી શકશે.

આ ગામના લોકોને નદીના પટમાં નહીં જવા તાકીદ
કેલીયા ડેમના નિચાણવાળા વિસ્તારના અસર કરતા ગામો વાંસદાના કેલીયા, ચીખલી તાલુકાના કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોંડથલ, કણભઇ, સિયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલીયારી, બલવાડા, તેજલાવ અને ખેરગામ તાલુકાના વાડ તથા ગણદેવી તાલુકાના ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખપરવાડા અને દેસરા સહિતના નિચાણવાળા ગામોને નદીના પટમાં નહીં જવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...