તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વાંસદાની ગ્રામ પંચાયતોમાં 15મા નાણાંપંચની જમા ગ્રાન્ટ વાપરવા ન દેવાતા સરપંચોમાં રોષ ભભૂક્યો

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 84 જેટલી ગ્રામ પંચાયતમાં એક વર્ષ પહેલાં અને ચૂંટણી પહેલા ગ્રાન્ટની ફાળવણી કરાઇ હતી
  • વાંસદા તાલુકાના ભાજપ સરપંચોએ કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં પ્રાંતને આવેદનપત્ર આપ્યું

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરપંચોને છેલ્લા એક વર્ષથી 15મા નાણાંપંચના પૈસા પંચાયતમાં જમા હોવા છતાં વાપરવા દેવામાં આવતા નથી. જેના અનુસંધાને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભાજપના સરપંચો સાથે મળી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.વાંસદા તાલુકાની 84 જેટલી ગ્રામ પંચાયતમાં એક વર્ષ પહેલાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 15માં નાણાંપંચના પૈસા ફાળવી સરકારની ગાઈડલાઈન અનુસાર ગ્રામ પંચાયતના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.

ગામમાં વિકાસના કામો રોડ, રસ્તા, નાળા, સ્વચ્છતા તેમજ પાણીના કામો અને વિસ્તાર વિકાસના કામો કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ છેલ્લા 1 વર્ષથી 15મા નાણાંપંચના કામો થઈ ગયા હોવા છતાં ગ્રામ પંચાયતને પૈસા છૂટા કરવા કે વાપરવાની જિલ્લા કક્ષાએથી મંજૂરી આપવામાં આવતી નથી. આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે આવા સંજોગોમાં સરપંચોની હાલત કફોડી બની છે. સરપંચો વિકાસના કામો કરી શકતા નથી અને કોરોનાના કાળમાં સેનેટાઈઝેશન કે સ્વચ્છતા માટે નાણાં વાપરી શકતા નથી.

ભાજપના સરપંચોની મિટીંગમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેઓની માંગણીને વાચા આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ ધીરજ દળવી, વિનોદ પટેલ, અનિલ પટેલ, રોહિતભાઈ, રાજુભાઇ પટેલ, રાજુભાઇ ગાગોડા જેવા સરપંચો જોડાયા હતા.

ગ્રાન્ટ ન મળતા ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી
વાંસદા તાલુકાના સરપંચોને 15મા નાણાંપચ અને પ્રધાનમંત્રી આવાસના નાણાંની ગ્રાન્ટ ઘણાં સમયથી મળી નથી. જેને લઈ નવસારી ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી અને વહેલી તકે નાણાં મળે તેવી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. - શિવેન્દ્રસિંહ સોલંકી, શાસક પક્ષના નેતા, વાંસદા

ગ્રાન્ટ છૂટી નહીં કરાશે તો સરપંચો સાથે ધરણાં
15મા નાણાંપંચની ગ્રાન્ટ સીધી ગ્રામ્ય વિકાસમાં વાપરવાની હોય છે. જેની મંજૂરી સામાન્ય સભા અને ગ્રામ સભામાં થતી હોય છે. આ ગ્રાન્ટ સીધી ગામના સરપંચની દેખરેખ હેઠળની હોય છે ત્યારે સરપંચોને સત્તા આપવા છતાં હાલમાં એને ક્યાં કારણે અટકાવી છે ? ગ્રાન્ટને છૂટી નહીં કરાશે તો સરપંચો સાથે ધરણાં પ્રદર્શન કરાશે. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...