બેઠક:ઝરી તા.પં.ની પેટા ચૂંટણીનો સળવળાટ, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બેઠકના સદસ્ય અરવિંદભાઈ પટેલનું કોરોનામાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી

વાંસદા તાલુકા પંચાયતની 28-ઝરીની સીટના સદસ્ય અરવિંદભાઈ પટેલનું કોરોના મહામારીમાં અવસાન થવાથી ખાલી પડેલી સીટ પર ઝરી ગામના માજી સરપંચે રેલી કાઢીને મામલતદાર ઓફિસમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ફોમ ભર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું. વાંસદા તાલુકા પંચાયતની ખાલી પડેલી 28-ઝરી સીટની પેટા ચૂંટણી આવતાની સાથે જ વાંસદા રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

પરંપરાગત ઝરી બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે સ્વ.અરવિંદભાઈ પટેલના સાથી અને ઝરી ગામના માજી સરપંચ ધનજીભાઈને ગોઠવતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉમંગ બેવડાયો હતો. હાલમાં વાંસદા તાલુકા પંચાયતમાં 13 અને 15 બેઠકનો આંકડો છે ત્યારે હાલમાં ચાલી રહેલા તાલુકા પંચાયતના સદસ્યોના કામ નહીં થતા તેમજ તેઓની અવગણના થઈ રહી હોવાથી બૂમ પડી રહી છે. આવા સમયે આ ચૂંટણી અતિ મહત્ત્વની સાબિત થશે.

ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં યુવા પ્રમુખ નિકુંજભાઈ દેશમુખ, ચંદુભાઈ તેમજ ચૂંટણી કન્વિનર અનિલ પટેલ, વિજય પટેલ, કૌશિક પટેલ સહિતના હાજર રહ્યા હતા. જ્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સંજયભાઈ છોટુભાઈ પટેલ અને ડમી તરીકે હસમુખભાઈ વલ્લભભાઈ પટેલે ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ, મહામંત્રી ભગુભાઈ પટેલ, વિરલભાઈ વ્યાસ, તા.પં.પ્રમુખ શાંતુભાઈ ગાવિત, સંજય પટેલ, રસિક ટાંક સહિતના ભાજપ કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને શુભ મુહૂર્તમાં ફોર્મ જમા કરાવ્યું હતું.

આવનારા દિવસોમાં તા. પંચાયત કબજે કરીશું
વાંસદા તાલુકા પંચાયત ભાજપે સત્તા હસ્તગત કર્યા બાદ તાલુકા પંચાયતના સદસ્યોની સતત અવગણના થઈ રહી છે તેમજ પૂર્ણ સમયના તાલુકા વિકાસ અધિકારી નહીં હોવાને કારણે ઘણા કામો ટલ્લે ચઢ્યા છે. તાલુકા પંચાયતના સદસ્યો સતત મારા સંપર્કમાં છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત કબજે કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...