સામાન્ય સભા:કંબોયા ખેડૂત મંડળીની સાધારણ સભામાં 30 લાખની ખોટ સહિતના પ્રશ્નો ઉઠતા હોબાળો

વાંસદા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વર્ષ 2020-21ની સભા 18મી સપ્ટેમ્બરે મળી હતી, જેમાં ખોટની પૂર્તતાની વાત કરાઇ હતી
  • મંડળીના હાલના પ્રમુખ બહાદુરભાઇ પટેલે દિન-10માં આ પ્રશ્નનો ખુલાસો આપવાની બાંહેધરી આપી

વાંસદા તાલુકાના કંબોયા ગામે આવેલી ખેડૂત સેવા સહકારી મંડળીની સામાન્ય સભામાં મંડળીની 30 લાખની ખોટ, 37 લાખ કે.સી.સી. બેંકલોન દેવુ, 14 લાખનું સભાસદનું કે.સી.સી. ધિરાણ વસૂલાત જેવા પ્રશ્નો ઉઠતા હોબાળો મચ્યો હતો. વાંસદા તાલુકાના કંબોયા ગામે આ‌વેલી ધી કંબોયા ખેડૂત સેવા સહકારી મંડળી લિ. (મોટા કદની)ની 73મી સાધારણ સભા મંડળીની ઓફિસમાં મળી હતી. જેમાં વર્ષ 2020-21ની સભા 18મી સપ્ટેમ્બર 2021ના રોજ મળી હતી. જેમાં બાબુભઈ પટેલ ખેડૂત સભાસદે રૂ. 30,79,258ની ખોટ અંગે રજૂઆત કરી હતી.

જેનો મંડળીએ આજદિન સુધી પૂર્તતા કરી ન હતી. મંડળીએ સભાસદ બાબુભાઈ પટેલને આંતરિક ઓડિટર તરીકે નિમ્યા હોવાથી ઓડિટ મેમોના પત્રથી મંડળીના પ્રમુખ, મેનેજર અને ડિરેકટરને જાણ કરી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સોની 1લી જુલાઈ 2022ના મિટીંગમાં 2021-22ના હિસાબો મંજૂર કર્યા છે. જેમાં ઓડિટ મેમોની નોંધ ચર્ચામાં લઈ પૂર્તતા કરાયેલી છે કે કેમ ? તેમજ કોઈપણ મિટીંગમાં આંતરિક ઓડિટરને બોલાવવામાં આવ્યા ન હતા એવા અનેક પ્રશ્ન સભાસદો સામાન્ય સભામાં મુકતા શોરબકોર થયો હતો.

આ ઉપરાંત 37 લાખ કે.સી.સી. બેંકલોન દેવુ, 14 લાખનું સભાસદનું કે.સી.સી. ધિરાણ વસૂલાત મુદત વિતી જવું, 11લાખ વેપારીઓ પાસે લેણાં વસૂલાત, કીટ્સ સહાય અને વ્યાજના બાકી લેણાં જૂના, 5 વર્ષની વ્ય. કમિટી 96મા સુધારા મુજબ પ્રક્રિયા વિહિન હોવાની રજૂઆત સભાસદોએ કરી હતી. આ બાબતે સભાસદોએ હંગામો ઉભા કરતા મંડળીના હાલના પ્રમુખ બહાદુરભાઈ પટેલે દિન-10માં આ પ્રશ્નનો ખુલાસો આપવાની બાંહેધરી આપી હતી.

આ સભામાં કેટલાક મુદ્દે બહાલી થઈ નથી.અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાની વાંદરવેલા અને ચાપલધરા મંડળીમાં પણ લાખોની ગોબાચારી બાબતે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને સભાસદોના લાખો રૂપિયા ચવાઇ ગયા છે ત્યારે કંબોયાના જાગૃત સભાસદ અને આંતરિક ઓડિટરે મંડળી પાસે ખુલાસો માગતા આ‌વનારા દિવસોમાં રહસ્ય ખુલશે અથવા દખો પણ નીકળવાની સંભાવના રહેશે.

અન્ય સમાચારો પણ છે...