વાંસદા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા કોરોનાની મહામારીમાં પાંચ જ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, એવો જવાબ મળતા તાલુકા પંચાયતમાં હોબાળો પણ થયો હતો. વાંસદા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા જુદા જુદા મુદ્દાઓ પર કરવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ દ્વારા 15 જેટલા સવાલો અને અન્ય સભ્યો દ્વારા 2 સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં કોરોનાની મહામારીમાં તાલુકામાં કેટલા લોકોના મૃત્યુ થયા આના જવાબમાં માત્ર 5 વ્યક્તિના મોત બતાવતા બધા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
વાંસદા તાલુકાની કેટલી શાળાઓ મર્જ કરવામાં આવશે ? એના જવાબમાં પણ 5 શાળા મર્જ કરવાની વાત કરવામાં આવી હતી. 15મા નાણાપંચમાં કેટલી ગ્રામ પંચાયતોને ચૂકવણું કરવામાં આવ્યું? ‘તાઉતે’ વાવાઝોડામાં ઘરોની નુકસાનીના કેટલા પૈસા ફાળવવામાં આવ્યાં ? જેના જવાબમાં 28 લોકોને સહાય આપવામાં આવી એમ જણાવ્યું હતું. આમ વિરોધ પક્ષ દ્વારા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોની વણઝાર કરીને તાલુકા પંચાયતના હોદ્દેદારોને ઘેરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
બંને આંકડામાં વિસંગતતા જોવા મળે છે
વાંસદામાં ગુરૂવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પૂછવામાં આવ્યું કે, વાંસદા તાલુકામાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ? તો પાંચ મૃત્યુ થયા હોવાનો જવાબ મળ્યો હતો, કોરોનાની બીજી લહેર દરમિયાન ગામે ગામથી કોરોનાના કારણે મૃત્યુ થયાના સમાચાર જાણવા મળતા હતા. વાંસદા તાલુકામાં અનાથ થયેલ બાળકોના 300 ફોર્મ ભરાયા છે, બંને આંકડાની વિસંગતતા જોતા એવું લાગે છે કે સરકાર વાસ્તવિક આંકડા છૂપાવી રહી છે. > અનંતભાઈ પટેલ, વાંસદા ચીખલી ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.