વાંસદા તાલુકાના ઉનાઈ ગામ નજીક આવેલ સિણધઈના રામજલ ફળિયામાં આવેલ જમીનમાં અવરજવરમાં ઉપયોગમાં લેવાતો રસ્તો બંધ કરવા માટે નાનો ભાઈ ખાડો ખોદતા હોય ત્યારે મોટાભાઈ દાઉદભાઈ માંકડા પોતાના ખેતરમાં મોટર ચાલુ છે કે બંધ હોય તે જોવા જતા તેમના નાના ભાઇને રસ્તો બંધ કરતો જોઈ રસ્તો કેમ બંધ કરો છો તેમ પૂછતા નાનો ભાઈ ઉશ્કેરાઈ જઇ એક ઈસમ સાથે દાઉદભાઇને માર માર્યો હતો અને આ રસ્તા પરથી પસાર થશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સિણધઈ ગામના રાજમલા ફળિયામાં રહેતા દાઉદભાઈ માંકડા તેમના બે નાના પુત્રો સાથે ઉનાઈ બજારમાં દુકાનનો સામાન લેવા માટે સવારના 10.30 વાગ્યાના સમયે પોતાની ઇકો કાર લઈને નીકળ્યા હતા. તે દરમિયાન રાજમલા ફળિયામાં તેમની માલિકીની જમીન આવેલી છે, જેમાં તેમણે શેરડીના પાકનું વાવેતર કર્યું હતું. જેથી તેઓ કાર રસ્તાની સાઈડમાં મુકીને ખેતરમાં મોટર ચાલુ છે કે બંધ તે જોવા માટે જતા હતા. તે દરમિયાન તેમનો નાનો ભાઈ યુસુફ માંકડા રસ્તા પર ખાડો ખોદતાં હતા.
તેમને રસ્તા પર ખાડો કેમ ખોદો છો તેમ પૂછતા યુસુફ માંકડાએ જણાવેલું કે હું રસ્તો બંધ કરી દેવાનો છું અહીંથી કોઈએ પણ જવાનું નહીં તેમ જણાવ્યું હતું. જેથી દાઉદભાઈએ મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરવાની તૈયારી કરતા હતા ત્યારે યુસુફ માંકડાએ બૂમો પાડી નજીક રહેતા અશરફભાઈને બોલાવીને દાઉદભાઈને ઢીક્કમુક્કીનો માર મારતા ગળા, બરડા અને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી.
તેમને વધુ મારથી સ્થાનિક ઇસ્માઇલ ફુલત અને તેમના ભાઈએ બચાવ્યા હતા. યુસુફ અને અશરફભાઇએ જતા જતા કહીં ગયા કે હવે તો જાનથી મારી નાખીશું તથા છએ છ દીકરાને ચીરી નાખીશું. થોડી જ વારમાં ઘટનાસ્થળે દાઉદભાઈનો દીકરો આવી જતા 108ને કોલ કરીને પિતા દાઉદભાઈને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ ગયો હતો. બનાવની દાઉદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.