વાંસદા તાલુકો 95% આદિવાસી વિસ્તાર ધરાવે છે, ત્યાં આદિવાસી પરંપરા પ્રમાણે તહેવારો અને ઉત્સવો ઉજવાતા હોય છે. તેમાંથી જ એક એવા દિવાસા પર્વની ઉજવણી ગુરૂવારે અનેક ગામોમાં કરવામાં આવી હતી. કંડોલપાડા ગામના ભક્તિ ફળિયામાં નિલેશભાઈ પટેલના ઘરે અને રૂપવેલ ગામના પટેલ ફળિયામાં સરપંચ નિતેશભાઈ કુનબીના ઘરે પણ દિવાસા નિમિત્તે ઢીંગલા બાપા અને ઢીંગલી માતાને બેસાડવામાં આવ્યા હતા. દિવાસા નિમિત્તે ઢીંગલા અને ઢીંગલીના લગ્ન લેવાયા હતા. એ નિમિત્તે જાતજાતની આદિવાસી વાનગીઓ જેવા કે ઢોકળા, પાતરાં બનાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ દિવાસાના દિવસે સાંજે 5 વાગ્યે ઢીંગલા બાપા અને ઢીંગલી માતાને નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. લોકોએ પોતાની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. અષાઢ માસનો અંતિમ દિવસ એટલે દિવાસો. દિવાસો આદિવાસીઓ માટે ‘’દિવાહો”. ખેડૂતો અને ખાસ કરીને આદિવાસીઓ માટે દિવાહો એટલે હર્ષોલ્લાસ સાથે ઉજવાતો ઉત્સવ. વરસાદી મોસમમાં રોપણી પુરી કર્યાનો આનંદ, રોપણીનાં થાકને વિરામ આપવા ઉજવાતો ઉત્સવ છે. દિવસાથી જ તહેવારો અને ઉત્સવોનો પ્રારંભ થાય એ પણ છેક દિવાળી સુધી અનેક ઉત્સવો આવતા જ રહે છે.
ગણદેવી નગરમાં દિવાસાની ઉજવણી કરાઇ
ગણદેવી હળપતિ સમાજ દ્વારા ગણદેવી નગરમાં દિવાસાની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરાઇ હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન ઉજવણી નહીં થઈ હોય આ વર્ષે ઉજવણી ધામધુમથી કરાઇ હતી. ગણદેવી નગરના હળપતિ વિસ્તારોમાં ઢીંગલા-ઢીંગલીનું આ પર્વ ઉજવવા હળપતિ સમાજના યુવાનો આગળ આવ્યા હતા. સાંજના ગણદેવી નગરપાલિકા રામજી મંદિર વિસ્તારથી નવા પુલ સુધી બે વર્ષ બાદ મેળો ભરાયો હતો. આ મેળામાં ગણદેવી નગર અને આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.