કાર્યવાહી:ખંભાલિયામાં સરકારી જગ્યા પર થતું ગેરકાયદેસર બાંધકામ અટકાવી દેવાયું

ઉનાઇ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયાઓ બેફામ બન્યા, ખંભાલિયા ગામે સરકારી જગ્યામાં અનેક ગેરકાયદેસર દબાણો

વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે સરકારી જગ્યામાં ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામને ગામના સરપંચ દ્વારા સ્થળ પર જઇ બંધ કરાવવામાં આવ્યું હતું. ખંભાલિયા ગામે મસ્જિદ વિસ્તારમાં ગામના એક શખસ દ્વારા પંચાયતની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરાવી રહ્યા હોવાનું ગામના જાગૃત નાગરિકોએ સરપંચ તેમજ તલાટીને જાણ કરી હતી. જેથી સરપંચ તેમજ તલાટી દ્વારા સ્થળ પર જઈ જોતા આ શખસે ગ્રામ પંચાયતમાંથી બાંધકામ અંગે કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી.

જેથી ગેરકાયદે થઈ રહેલા બાંધકામને તાત્કાલિક ધોરણે બંધ કરવાનું જણાવ્યું હતું તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામ અંગે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી હતી. આજ શખસ દ્વારા અગાઉ પણ જ્યાં બાંધકામ કરતો હતો એની પાછળની સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે મકાન ઉભું કરી દેવામાં આવ્યું હતું અને હાલમાં આગળના ભાગે પણ બાંધકામ કરી રહ્યો હોય જેથી તેને સરકારી તંત્રની કે કોઈ બીક નહીં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.

ભૂમાફિયાઓ દ્વારા ખંભાલિયા ગામે અગાઉ પણ મોટાપાયે સરકારી જમીનોમાં દબાણ કરી મકાનો બનવી ઊંચી કિંમતોમાં વેચી દીધા હોવાનું પણ સરકારી ચોપડે નોંધાયુ હોય છતાં પણ અધિકારીઓ દ્વારા તેઓના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં રસ દાખવતા નથી. જેને કારણે આજે ખંભાલિયા વિસ્તારમાં સરકારી જમીનો અનેક દબાણો થઈ ચૂકયાં હોવાનું ચર્ચાય રહ્યું છે. સરકારી તંત્ર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવા ભૂમાફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે.

ઉનાઈ ઓપી ચોકી બનાવવા જમીન નથી
હાલમાં ખંભાલિયા ગામે સરકારી કામકાજ માટે જરૂર પડે તો સરકારી જમીન રહી નથી. તમામ સરકારી જમીનોમાં દબાણ થયું હોય હાલમાં ઉનાઈ આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવા માટે સરકારી જમીન નથી. એવામાં થોડીઘણી બચેલી સરકારી જમીનોમાં ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર દબાણ કરી રહ્યા હોય જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગેરકાયદે બાંધકામની નોટિસ ફટકારાશે
સરકારી જમીનમાં ગેરકાયદેસર બંધકામ થતું હોવાનું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળતા સ્થળ પર નિરીક્ષણ કરવા જતાં બાંધકામ કરનાર શખસે ગ્રામ પંચાયત પાસે કોઈપણ પ્રકારની બાંધકામની મંજૂરી લીધેલી ન હતી. જેથી તાત્કાલિક ધોરણે બાંધકામ બંધ કરાવી તેને ગેરકાયદેસર બાંધકામની નોટિસ ફટકારવામાં આવશે. >હિમાંશુભાઈ રાઠોડ, તલાટી, ખંભાલિયા

અન્ય સમાચારો પણ છે...