વાંસદા તાલુકામાં હોળીના બજારમાં મહારાષ્ટ્ર સહિત ડાંગ વિસ્તારના લોકોએ હોળીની ખરીદી કરી હતી અને હોળી માતાના મુખટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાંસદા તાલુકામાં હોળીનો ખૂબજ મહત્વ હોય છે. આ વિસ્તારના લોકો આખુ વર્ષ મજૂરીકામે બહાર ગામ જતા હોય છે પરંતુ હોળી નજીક આવતાની સાથે પરિવાર સાથે ઘરે આવવાનું ભૂલતા નથી. તેઓ હોળીને ખૂબ મહત્વ આપે છે તેવીજ રીતે અલગ અલગ દિવસે તાલુકાના મોટાભાગના ગામોમાં હોળીનું હાટ બજાર ભરાય છે, તેમાં ખરીદી કરવા અચૂક આવતા હોય છે.
એજ રીતે શુક્રવારે વાંસદાના હોળીના હાટ બજારમાં મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી લોકો હાટ બજારની રાહ જોઈને બેઠા હોય છે. સવારથી સમગ્ર તાલુકાની જનમેદની આ હાટ બજારમાં ઉમટી પડી હતી. માર્કેટમાં લોકોની અવરજવર વધારે હતી અને માતાજીના મુખટ સાથે વાજિંત્રો સાથે હોળીના હાટ બજારમાં સ્થાનિકો નીકળ્યા હતા. લોકોએ માતાજીને પગે પડી ધન્યતા અનુભવી હતી. આ હાટ બજારમાં મહારાષ્ટ્ર, અમદાવાદ, બરોડા, વલસાડ સહિતના વેપારીઓ દર વર્ષેની જેમ આ વર્ષે પણ દુકાનો લગાડી હતી,જેમાં વેપારીઓ સહિત આજુબાજુ વિસ્તારની જનતા ઉમટી પડી હતી.
મહારાષ્ટ્ર ના સરહદીય વિસ્તાર સહિત ડાંગ જિલ્લાના લોકો વાંસદાના હટવાડામાં ખરીદી કરવા આવતા હોય છે અને કોપરા, ખજૂર, હરડા, દાળીયો, નાળિયેર સહિત કપડાં, બુટ-ચંપલની ખરીદી કરી હતી. ચાલુ વર્ષે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વાંસદા પીએસઆઈ પી.વી.વસાવાની ટીમે હોળીના હાટ બજારમાં ચોરી નહી થાય તે માટે સતત પેટ્રોલિંગમાં રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાનો વિસ્તાર પણ વાંસદા નજીક આવેલો હોય લોકો અહીં બજારમાં ખરીદી અર્થે ઉમટી પડતા માનવ મહેરામણનો જાણે દરિયો છલકાયો હોય તેવો માહોલ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.