વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણના કેસ સામે આવ્યો છે પરંતુ આરોગ્ય તંત્ર અજાણ છે. હવે ડેન્ગ્યુના લક્ષણો દેખા દેતા ભય ફેલાયો છે. ઉનાઈ પંથકમાં મચ્છરજન્ય રોગચાળાએ દહેશત મચાવી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.તાવમાં ડેન્ગ્યુના લક્ષણના દર્દીઓના ઉપરા-છાપરીના કેસો વધી રહ્યા છે ત્યારે ગામે-ગામ રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
ગામના ઘણા વિસ્તારોમાં હજી પણ કચરાના ઢગ અને ખુલ્લી ગટરો જોવા મળી રહી છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. આરોગ્ય તંત્રની બેદરકારીના પગલે ગ્રામજનો હવે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગના ભોગ બની રહ્યાં છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી રહ્યાં છે. ચાલુ મહિનાની જ વાત કરીએ તો, અત્યાર સુધી ડેન્ગ્યુ જેવા લક્ષણના ઉપરા-છાપરી આશરે 10 કેસ બન્યા છે. મચ્છરજન્ય કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા વધે તે પહેલાં મચ્છરોનો નાશ કરવા તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગે ફોગીંગ કામગીરી કરવાની જરૂર છે.
કેસ સામે આવતા ડોર ટુ ડોર ફોગીંગની કામગીરી હાથ ધરાશે
ઉનાઈ પંથકમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણોના કેસ સામે આવતા મચ્છરોનો નાશ કરવા અગાઉ પણ ફોગીંગની કામગીરી કરાઈ હતી. હાલમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવો રોગચાળો માથું ઉંચકતા ફરી ડોર-ડોર ફોગીંગ કરવાની કામગીરી હાથ ધરાશે. - મનિષ પટેલ, સરપંચ, ઉનાઈ
ગામોમાં જઇ તાવના લક્ષણ ધરાવતા લોકોના ટેસ્ટ પણ કરવામાં આવશે
હાલમાં ઉનાળાની સિઝનમાં વાયરલ તાવ જોવા મળે છે. તાવવાળા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા હોય છે. જેથી ડેન્ગ્યુ જેવા કેસો સરકારી ચોપડે નોંધાયા નથી. જેથી આરોગ્યકર્મીઓને ગામોમાં વિઝીટ કરી તાવવાળા લક્ષણ ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવશે. - પ્રમોદ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.