મેઘ મહેર:જૂજ ડેમ છલકાતાં વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોમાં ખુશાલી

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પિયત મંડળીના આગેવાનોએ નવા નીરને વધાવ્યા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 17 ગામના 1716 ખેડૂતોના આશીર્વાદ સમાન જૂજ ડેમ ઉપરવાસમાં વરસાદ વરસતા પાણીની આવક વધતા સોમવારે રાત્રે 9 કલાકે છલકાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જૂજ ડેમ છલકાતાં વાંસદા- ચીખલી તાલુકાના 23 ગામને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખેડૂતોના આશીર્વાદ સમાન જૂજ ડેમમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા તાલુકામાંથી પસાર થતી નદી બન્ને કાંઠે વહેતા ડેમમાં નવા નીર આવતા છલકાયો હતો.

ડેમ છલકાતાં આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ડેમની ઓવરફ્લો સપાટી 167.50 મીટર છે, જેની સામે રાત્રે 167.55 મીટર (45 સે.મી.)થી ઓવરફ્લો થયો હતો. સવારે વરસાદ વરસતા 8 થી 10ના સમયગાળામાં 167.50 મીટરની સામે 168.10 (60 સે. મી.) ઓવરફ્લો થયો હતો અને બપોરે 12 કલાકે પછી વરસાદ બંધ રહેતા 167.50 મીટરની સામે 167.95 (45 સે.મી.) ઓવરફ્લો થયો હતો. વર્ષ-2019માં 167.50 મીટરની ઓવરફ્લો સામે 168.80 મીટરથી (1.30 સે.મી.) ઓવરફ્લો થયો હતો.

જૂજડેમ છલકાતા ખેડૂતો સહિત વિવિધ પિયત મંડળીઓના આગેવાનો ભાજપના મહામંત્રી ભગુભાઈ પટેલ, રસીકભાઈ ટાંક, સંજય બિરારી, શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, રાકેશ શર્મા અને વાંસદા -ચીખલીના ધારાસભ્ય અંનત પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન કુંવર, નિકુંજ ગાવિત, હસમુખભાઈ, મનિષ પટેલ, યોગેશ દેસાઈ સહિતના આગેવાનોએ ડેમમાં આવેલા નવા નીરના વધામણાં કરી પુષ્પગુચ્છ અને શ્રીફળ ચઢાવી વધાવી લીધા હતા. આ જૂજ ડેમ છલકાયાની ખબર પડતાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પ્રાંત અધિકારી આર.સી.પટેલે મુલાકાત લીધી હતી.

ખેડૂતોને આખુ વર્ષ સિંચાઇનું પાણ મળી રહેશે
વાંસદા-ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો આખો વર્ષ ખેતી માટે સિંચાઈની સુવિધા જૂજ ડેમ ઓગસ્ટ માસમાં નહીં ભરાતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી. મોડે- મોડે મેહુલિયો મનમૂકીને વરસતા જૂજ ડેમમાં પાણીની આવક વધતા ડેમ છલકાતા ખેડૂત આલમમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

કેલીયા ડેમ પણ માત્ર અડધો ફૂટ જ ખાલી છે
કેલીયા ડેમમાં 113.40 મીટરના ઓવરફ્લો સામે હાલમાં 113.25 મીટર પાણીની આવક થઈ છે. અડધો ફૂટ ડેમ ખાલી છે. જો વરસાદના પાણીની આવક શરૂ રહે તો મોડી રાત્રે ઓવરફ્લો થઈ જશે.

23 ગામને એલર્ટ કરાયા
જૂજ ડેમ છલકાતા નિચાણવાળા 23 ગામને એલર્ટ કરાયા હતા. જેમાં જૂજ ડેમ વિસ્તારના જૂજ ગામ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, ચાંપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેકટી, ગણદેવી તાલુકાના ઉંડાચ, લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા ગામોને એલર્ટ કરાયા છે.

સરપંચ-તલાટીને જાણ કરી વાકેફ કર્યા
નિચાણવાળા વિસ્તારના ગામોના સરપંચ અને તલાટીઓને જાણ કરી એલર્ટ કર્યા છે. > આર.સી. પટેલ, પ્રાંત અધિકારી, વાંસદા

અન્ય સમાચારો પણ છે...