સુવિધાનો અભાવ:વાંસદા સરકારી વિનયન-વાણિજ્ય કોલેજ પાસે ST ડેપો બનાવવા હનુમાનબારી સરપંચની માગ

વાંસદા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરે જવા ખુલ્લામાં ઉભા રહેલા વાંસદા કોલેજના વિદ્યાર્થીઓ. - Divya Bhaskar
ઘરે જવા ખુલ્લામાં ઉભા રહેલા વાંસદા કોલેજના વિદ્યાર્થીઓ.
  • 95 ટકા ટ્રાયબલ તાલુકો હોય આ વિસ્તારમાં અનેક સુવિધાનો અભાવ

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે. અહી આવેલી સરકારી વિનયન અને વાણિજય કોલેજ પાસે એસ.ટી.ડેપો નહીં હોવાથી ઉનાળામાં અને વરસાદમાં વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. ગામના યુવાન સરપંચે વલસાડ-ડાંગના સાંસદને રજૂઆત કરી કોલેજ પાસે વિદ્યાર્થીઓ માટે સાંસદની ગ્રાન્ટમાંથી એસ.ટી.ડેપો અને બેસવા માટે બાંકડા મૂકવા પત્ર દ્વારા રજૂઆત કરી હતી.

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે અને ડાંગ અને વાંસદા તાલુકામાંથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરવા મોટી સંખ્યામાં છાત્રો આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોલેજ પાસે એસટી ડેપો નહીં હોવાથી વિદ્યાર્થીઓ ભરઉનાળામાં ગરમીનો ભોગ બને છે અને ચોમાસાની સિઝનમાં વરસાદના પાણીમાં ભીંજાઈ જાય છે. જેને લઈ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યાં છે.

હનુમાનબારીના યુવા સરપંચ રાકેશ પટેલે વિદ્યાર્થીઓની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વલસાડ અને ડાંગના સાંસદ કે.સી.પટેલને પત્ર દ્વારા સાંસદની ગ્રાન્ટ મંજૂર કરી કોલેજ પાસે વિદ્યાર્થીઓ માટે ડેપો બનાવવા અને બેસવા બાંકડા મૂકવાની રજૂઆત કરતા કોલેજના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

સાંસદને પત્ર થકી રજૂઆત કરાઇ છે
વાંસદા કોલેજના વિદ્યાર્થીઓ ભર વરસાદમાં ખુલ્લામાં ઉભા રહેવું પડે છે. ડેપોની સુવિધા નહીં હોવાથી વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ દેશના ભાવિ નાગરિક છે. ડેપો માટે સાંસદને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સારી સુવિધા પૂરી પાડવામાં આવે એવી અમારી માંગ છે. >રાકેશ પટેલ, સરપંચ, હનુમાનબારી ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...