વાંસદા-ચીખલીના ધારાસભ્યના હસ્તે આદિવાસી ઘડિયાળ લોન્ચ કરવામાં આવી હતી. ઉંમરગામથી અંબાજી સુધી આદિવાસીઓમાં આ ઘડિયાળ લોકપ્રિય થઈ રહી છે. તાપી જિલ્લાના એક આદિવાસી કાર્યકર્તા પિન્ટુભાઈને તેમના મિત્ર તરફથી ભેટમાં મળેલી આવી આદિવાસી ઘડિયાળ તેમને પસંદ પડી અને તેમણે જાતે જ હવે આવી ઘડિયાળો બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. જેનું લોન્ચિંગ વાંસદાથી કરવામાં આવ્યું હતું. એની વિશેષતા એ છે કે તે સામાન્ય ઘડિયાળમાં ફરતા કાંટાની જેમ નહીં પરંતુ તેની વિરુદ્ધ દિશામાં ફરે છે.
કહે છે કે, વિતેલો સમય કદી પાછો નથી આવતો, સમયને પોતાની મુઠ્ઠીમાં કરવાની મહેચ્છાથી જ કદાચ ઘડિયાળની રચના થઈ છે, જે આપણને સતત વીતતી જતી ક્ષણનો અહેસાસ કરાવે છે. ઘડિયાળમાં એક પછી બે વાગે એ પરંપરાગત રીતે ગોઠવાયેલી અને સર્વસ્વિકૃત વ્યવસ્થા છે. પણ, આ અદિવાસી ઘડિયાળમાં 9 વાગતાં પહેલાં જ 10 વાગી જાય છે. આ આદિવાસી ઘડિયાળની રચના બહુ વિશિષ્ટ છે. 1,2,3....12ના પરંપરાગત આંકડાને બદલે એની જગ્યાએ 12, 11,10,9,......1ના ક્રમમાં ગોઠવયેલા અંકો અને વિરૂદ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડિયાળની વિશેષતા છે.
કુદરતને ખોળે જીવનારા આદિવાસીઓની આ ઘડિયાળ ખરેખર એક અનોખી રચના છે. છત્તીસગઢમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી આદિવાસીઓ વિરૂદ્ધ દિશામાં ચાલતી ઘડિયાળોનો ઉપયોગ કરી રહ્યા છે. છત્તીસગઢના કોરબા, કોરિયા, સરગુજા, બિલાસપુર અને જસપુર જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે.
આ ઘડિયાળનો ઉપયોગ ક્યારથી શરૂ થયો એની કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, 1980ના દશકમાં અલગ ગોંડવાના આંદોલન જ્યારે એની ચરમસીમા પર હતું ત્યારે આ ઘડિયાળો પહેલીવાર આદિવાસીઓમાં વિતરિત કરાઇ હતી. શરૂઆતમાંતો આ અટપટી લાગતી ઘડિયાળોમાં સમય જોવો સૌને ફાવે તેમ નહતું પરંતુ ધીમેધીમે તે લોકપ્રિય થતી ગઈ અને હવે ગુજરાતમાં પણ તાપીથી વાપી અને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિજાતિ વિસ્તારોમાં આ ઘડિયાળ ઘણી લોકપ્રિય બની રહી છે.
આદિવાસી વિસ્તારમાં એસેમ્બલ થયું છે
સમગ્ર આદિવાસી સમાજમાં લોકપ્રિય આદિવાસી ઘડિયાળનું લોન્ચિંગ ગુજરાતમાં સૌપ્રથમ વાંસદામાં કરાયું છે. આ ઘડિયાળ પ્રકૃતિ પ્રમાણે ચાલે છે અને એન્ટિકલોક વાઈસ દિશામાં ફરે છે. જેવી રીતે નદીમાં વમળ બને છે, જેમ આદિવાસી નૃત્યમાં ગોળ ફરાય છે તેમ ઘડિયાળ પણ ફરે છે. આ ઘડિયાળ આખું આદિવાસી વિસ્તારમાં એસેમ્બલ થયું છે, જેમાં તાપી જિલ્લાના પિન્ટુભાઈનો મોટો ફાળો રહ્યો છે.
આ ઘડિયાળનું લોન્ચિંગ થતા ખુશીની લાગણી અનુભવીએ છીએ, આમાંથી જે નફો થશે એ આદિવાસીઓના ઉત્થાનમાં વપરાશે, આદિવાસી સંસ્કૃતિને બચાવતા અને ટકાવી રાખતા ઉપકરણો તૈયાર કરવામાં આવશે. - અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.