હુંકાર:જંગલની જમીનના દાવાવાળા ખેડૂતોને જો કોઈ રંજાડશે તો છોડીશું નહીં : ધારાસભ્ય

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના કાવડેજ શ્રદ્ધા મંદિર પાસે જંગલની જમીનના અધિકારની સભા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એકશન એઈડ સંસ્થાના સહયોગથી યોજવામાં આવી હતી.

વાંસદા તાલુકાના 28 જેટલા ગામમાં જંગલ જમીનની સનદો નહીં મળવાના કારણે દાવાવાળી જમીનના આદિવાસી ખેડૂતોની જંગલ જમીનના અધિકારની મહાસભા કાવડેજના શ્રદ્ધા મંદિર પાસે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મહાસભામાં અનંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, જળ, જંગલ અને જમીન આદિવાસીનો અધિકાર છે. આ વિસ્તારના જંગલના જમીનના દાવાવાળા દરેક ખેડૂતોએ પોતાની જમીનનો કબજો કદી છોડવાનો નથી. આ જમીન વર્ષોથી ખેડનારા આદિવાસી ખેડૂતોની છે. આ જમીનથી જ એમનું જીવનનિર્વાહ ચાલે છે અને જંગલની જમીનવાળા ખેડૂતોની સાથે છું તેઓને રંજાડનારાઓને છોડીશું નહીં.

આ પ્રસંગે આદિવાસી એકતા પરિવારના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જંગલ જમીનની લડતમાં બધાજ ખેડૂતો સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. એક્શન એઈડ સંસ્થાના ગુજરાતના પ્રમુખ સુશીલાબેનએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા અમારી સંસ્થા રાતદિવસ એક કરશે. આ કાર્યક્રમમાં જંગલની જમીનના દાવાવાળા ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં ઉજાસ સંસ્થા, રમેશ પટેલ ખાંભલા, સામાજિક ન્યાય કેન્દ્રના રેણુકાબેન, રમેશભાઈ ધૂમ, અનિલાબેન, ભગવતીબેન, વિરોધપક્ષના નેતા ચંદુ જાદવ, હસમુખ પટેલ, રૂમશીભાઈ, દશરથભાઈ, રાજેશભાઈ, પરભુભાઈ તેમજ સરપંચઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...