હોબાળો:વાંસદા કોટેજ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટીફિકેટ માટે આવેલ અરજદારોનો હોબાળો

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારથી આવેલા અરજદારોના કામ માટે નવસારી સિવિલથી આવેલા ડોક્ટરોએ હાથ ઉંચા કરી દેતા વાતાવરણ તંગ બન્યું હતું
  • 6 માસમાં એક જ વાર સમાજ કલ્યાણ વિભાગ અને નવસારી વહીવટીતંત્રના સંયુક્ત આયોજનમાં કેમ્પ કરાય છે

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ વિસ્તારમાં શિક્ષણ ઓછું અને ગરીબીને લઈ લોકો વહીવટીતંત્ર અને સરકાર ઉપર નિર્ભર રહે છે. આ વિસ્તારમાં દિવ્યાંગ લોકોની સંખ્યા વધારે હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી દિવ્યાંગ સર્ટીફિકેટ માટે કેમ્પ યોજાય છે. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો સર્ટીફિકેટ માટે આવતા હોય છે પણ સમયના અભાવે ડોક્ટર બધા જ અરજદારોને ન્યાય આપી શકતા નથી જેને લઈ ડોક્ટરો અને અરજદારો વચ્ચે કાયમ ઘર્ષણના બનાવો બનતા રહે છે. આજે યોજાયેલા કેમ્પમાં પણ 1 વાગ્યા બાદ સમય પૂરો થઈ ગયો એમ કહેતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.

વાંસદા તાલુકામાં 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. અહીંની પ્રજા ગરીબ અને શિક્ષાના અભાવને લઈ દિવ્યાંગોની સંખ્યા વધારે છે. જેમાં બહેરા, મુંગા, આંખના રોગ, ખોડખાંપણ જેવી અનેક બીમારીથી પીડાતા હોય છે. જેના સર્ટીફિકેટ વિતરણ કરવા માટે 6 માસમાં એક કેમ્પ કરવામાં આવે છે. નવસારી સિવિલમાંથી અલગ અલગ વિભાગના ડોક્ટરો આવે છે અને અરજદારને ચેક કરી સર્ટીફિકેટ બનાવી આપવવામાં આવે છે.

જ્યારે પણ દિવ્યાંગ સર્ટીફિકેટનો કેમ્પ હોય ત્યારે મોટી સંખ્યામાં ગામડામાંથી અરજદારો અહીં આવીને નામ લખાવીને લાઈન લગાવે છે પરંતુ સમયના અભાવે ઘણા લોકો દર કેમ્પમાં આખો દિવસ બગાડ્યા બાદ સર્ટીફિકેટ મેળવ્યા વગર ઘરે પરત ફરવું પડે છે. જેને લઈ અરજદારોનો સમય વેડફાય છે. લોકો કામ છોડી આખો દિવસ લાઈન લગાવે અને પછી કહેવાય કે સમય પૂરો થઈ ગયો તો આમાં અરજદારોનો શું વાંક ? વહીવટીતંત્રએ આ માટે નક્કર કામગીરી કરવી જોઈએ.

આયોજનબદ્ધ કામ કરી તમામ લોકોને એને લાભ મળવો જોઈએ. જો એક દિવસમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો અઠવાડિયામાં મંગળવાર કે ગુરૂવાર નક્કી કરી લોકોને અવગડતા નહીં પડે તે દિશામાં વહીવટીતંત્રએ આયોજન કરવું જોઈએ. શનિવારે પણ યોજાયેલા દિવ્યાંગ કેમ્પમાં 1 વાગ્યા બાદ સમય પૂરો થઈ ગયો એમ કહીં તબીબોએ અરજદારોને ના પાડતા હોબાળો મચી ગયો હતો.

સમયસર સર્ટીફિકેટ મળે તેવું કરવું જોઇએ
વાંસદા કોટેજ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટીફિકેટ કેમ્પમાં સવારથી આવેલા અરજદારોના કામ માટે ડોકટરોએ હાથ ઊંચા કરતા વાતાવરણ તંગ બન્યું હતું. અરજદારોને સમયસર દિવ્યાંગ સર્ટીફિકેટ મળે એવું આયોજન કરવું જોઈએ. માત્ર કેમ્પ કરવા પૂરતા કરી કામના સમયમાં અરજદારોનો સમય બગાડવો જોઈએ નહીં. અઠવાડિયામાં બે દિવસ નક્કી કરી અરજદારોને સર્ટીફિકેટ આપવું જોઈએ. -અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી
ડોક્ટરે આવીને કીધુ કે સમય પુરો થઇ ગયો છે
વાંસદા કોટેજ હોસ્પિટલમાં દિવ્યંગ સર્ટીફિકેટ માટે સવારે નામ લખાવીને લાઈનમાં ઉભા હતા. 1 વાગે ડોકટર આવીને અમને કહે કે સમય પૂરો થઈ ગયો છે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. - જગદીશ પટેલ, કંડોલપાડા, વાંસદા

અન્ય સમાચારો પણ છે...