ભક્તોનું ઘોડાપૂર:યાત્રાધામ ઉનાઇ મંદિરે ઋષિપાંચમે પવિત્ર કુંડમાં સ્નાનનો લાભ લેવા મહારાષ્ટ્રના ભક્તો ઉમટી પડ્યા

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે તેમજ ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરી નદીએ જઈને સ્નાન કરીને પૂજા કરે છે

વાંસદા તાલુકામાં આવેલું દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે ઋષિપાંચમ નિમિતે માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા મહારાષ્ટ્રીયન ભાવિક ભક્તો ઉમટી પડ્યાં હતા. પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરમાં આવેલા ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા દર વર્ષની જેમ આ વર્ષે ઋષિપાંચમે મહારાષ્ટ્ર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા. ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. ઋષિપાંચમ પર નદીઓના જળ તેમજ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ છે.

આ દિવસે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આવી ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ઋષિઓની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે, જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે. તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.

કોરોનાના બે વર્ષ બાદ ધંધા-રોજગાર વધ્યા
ઉનાઈ મંદિરે કોરોના કાળ બાદ બે વર્ષથી શ્રદ્ધાળુ તેમજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નાના ધંધાર્થીઓના ધંધા-રોજગાર વધ્યા હતા. બે વર્ષથી મંદિર બંધ હોવાને કારણે આર્થિક રીતે ધંધા-રોજગાર ભાંગી પડ્યાં હતા.

ઋષિપંચમીનું વ્રત દોષોનું શમન કરે છે
ઋષિ પંચમીનું વ્રત બહેનો માટે છે. રજોદર્શન દરમિયાન જાણે અજાણે થયેલા દોષોનું આ વ્રત શમન કરે છે. બહેનો આ દિવસે સામો ખાય છે. આથી સામા પાંચમ તરીકે આ વ્રત ઉજવાય છે. આ દિવસે ઉપવાસ કરવાનો રિવાજ છે. અરુંધતી સહિત કશ્યપ વગેરે સાત ઋષિઓને પ્રસન્ન કરવા સપ્તર્ષિઓનું પુજન થાય છે.

માતાજીના કુંડમાં સ્નાન કરવું અનેરો લ્હાવો
ઉનાઈ માતાજીમાં ખુબજ આસ્થા ધરાવીએ છીએ. ઋષિપાંચમ નિમિતે મહારાષ્ટ્રથી ઉનાઇ માતાજીના દર્શને તેમજ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા આવીએ છીએ. ઋષિ પાંચમના દિવસે નદી અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાનું મહત્ત્વ હોવાથી દર વર્ષે ઋષિપાંચમે અહીં આવીએ છીએ. કોરોના કાળમાં મંદિર બંધ હોવાથી સ્નાનનો લાભ લઇ શક્યા ન હતા પરંતુ બે વર્ષથી ઋષિપાંચમે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી માતાજીના દર્શનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. >ભાવિક ભક્ત, મહારાષ્ટ્ર

અન્ય સમાચારો પણ છે...