વાંસદા તાલુકાના ખંભાલિયા હાઈસ્કૂલ ફળિયાના સ્થાનિક રહીશોના ઘરો જીવંત કેબલો લીધે રાહદારીઓ તથા સ્થાનિક રહેવાસીઓને માથે દુર્ઘટનાનો ભય તોળાઇ રહ્યો છે. વીજકંપનીના સત્તાધીશો સફાળા જાગી લોકહિત માટે ત્વરિત કામગીરી હાથ ધરે એવી લોકમાંગ ઊઠી છે. હાલમાં ઘરની ઉપર ઝૂલતા જીવંત વીજ કેબલ એટલે સાક્ષાત મોતને આમંત્રણ આપતા જીવંત તાર ઝૂલી રહ્યાં છે. જેથી દુર્ઘટનાની દહેશત સર્જાઈ છે.
ફળિયાના સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વીજ કંપનીમાં અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ સમારકામ કરવામાં નહી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ખંભાલિયા ગામના જનતા હાઈસ્કૂલ ફળિયામાંથી પસાર થતા માર્ગની બિલકુલ લગોલગ સ્થાનિક લોકોના ઘરોના ઉપરથી પસાર થતા જીવંત કેબલ નમી ગયા છે. સ્થળ સ્થિતિ જોતા વીજકેબલ રોડ પર પડવાની વ્યાપક સંભાવના ઊભી થઇ છે. ફળિયાના કેટલાક ઘરો પર જીવંત વીજ કેબલો પડવાના અણસારને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંબંધિત સત્તાધીશોની કામગીરી નબળી પુરવાર થઇ રહેલી મેઈન્ટેનન્સની કામગીરીને લીધે વીજ કેબલો નમી પડવાથી લોકોને માથે દુર્ઘટનાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ અંગે ગ્રામજનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં વીજ કંપની દ્વારા કોઇ સમારકામ કરવામાં આવ્યું નથી. કેબલ ઊંચા કરવા બાબતે કોઇ ધ્યાન નહીં આપવામાં આવતા લોકોમાં ભારોભાર રોષ ફેલાયો છે. વીજલાઇનની મરામત કરવામાં જો જીઇબીના જવાબદારો લાપરવાહી દાખવશે તો આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાવાની દહેશત વ્યાપી છે.
રજૂઆત છતાં વીજ કેબલ ઉંચા કરાયા નથી
દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં અનેક મૌખિક રજૂઆત પણ વીજ કંપની દ્વારા કેબલ ઊંચા કરાયા નથી. ખંભાલિયા ગામે જમીનથી થોડી ઊંચાઇ સુધી ઝુલતા વીજ કેબલથી ભય ફેલાયો છે. હાલમાં કોઇ મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. > સોહેલ શેખ, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.