ફરિયાદ:વિકાસના કામોના એગ્રિમેન્ટ નહીં કરવાના પ્રકરણમાં ધારાસભ્યની કલેકટરમાં ફરિયાદ

વાંસદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકામાં કામો પર ઘણા સમયથી બ્રેક લાગી ગઇ છે

વાંસદા તાલુકાના વિકાસના કામોમાં છેલ્લા ઘણા સમયથી બ્રેક લાગી હતી. અગાઉ કોરોના મહામારીને લઇ વિકાસકામો થયા ન હતા. હાલ ગ્રામ પંચાયતોને વિકાસકામોના એગ્રિમેન્ટ નહીં કરતા વિકાસ કામો ઠપ થયા છે. જેને લઈ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે નવસારી જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી જો કામના એગ્રિમેન્ટ વહેલી તકે નહીં કરવામાં આવશે તો આંદોલન સહિત ધરણાંની ચીમકી આપી હતી.

વાંસદા તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામોમાં બ્રેક લાગી છે. અગાઉ કોરોના મહામારીને લઈ કોઈ વિકાસના કામો થયા ન હતા. હાલમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી કાયમી નહીં હોવાથી કામમાં વિલંબ થયા કરે છે. હાલમાં તાલુકા પંચાયત દ્વારા 15% વિવેકાધીન યોજના એટીવીટીની ગ્રાન્ટ, ટ્રાયબલ સબ પ્લાન યોજનાની ગ્રાન્ટ તેમજ 15મા નાણાંપચની ગ્રાન્ટમાંથી જે વિકાસના કામો થવા જોઈએ એ કામોના એગ્રિમેન્ટ જે વર્ષોથી વાંસદા તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે. આવા એગ્રિમેન્ટ તાલુકા પંચાયતના સત્તાધિશોના ઈશારે આજદિન સુધી કરવામાં આવ્યા નથી. જો આ વિકાસના કામના એગ્રિમેન્ટ નવસારીના બીજા તાલુકામાં થઈ રહ્યા છે અને 5 લાખ સુધીની ગ્રાન્ટના કામો ગ્રામ પંચાયતને કરવાનો હક્ક છે તો આ એગ્રિમેન્ટ ગ્રામ પંચાયતો અને સરપંચોના હક્ક અને અધિકારનું હનન વાંસદા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

ગ્રામ પંચાયત સત્તાધિશોને વિકાસના કામો કરવા દેવા જોઈએ. જેનાથી વિકાસકામોની ગુણવત્તા જળવાશે અને ગ્રામ પંચાયતની ભાગીદારીથી કામો થવાને લીધે સરપંચોની જબાબદારી પણ બનશે. જો આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક એગ્રિમેન્ટ નહીં કરાવશે તો અમો તાલુકા પંચાયતના વિરોધમાં આંદોલન અને ધરણાં કરતા અચકાઈશું નહીં એવી વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ચીમકી આપી નવસારી કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...