આક્ષેપ:વાંસદા તાલુકામાં વિકાસ કામોના એગ્રિમેન્ટ નહીં કરતા હોવાની ફરિયાદ

વાંસદા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીનો લઈ અને કાયમી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક નહીં હોવાથી સમગ્ર તાલુકાના વિકાસના કામો પર બ્રેક લાગી ગઈ છે. મંગળવારે તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાવિતને વાંસદા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લેખિતમાં ફરિયાદ કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2021-22ના 15% વિવેકાધીન, ટીએસપી તથા એટીવિટી તેમજ જિલ્લા પંચાયત સભ્ય ફંડના કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે, તેમ છતાં આજદિન સુધી ગ્રામ પંચાયતોના સરપંચોને એગ્રીમેન્ટ કરવા માટે લેટર મોકલાવેલ નથી. ગ્રામ પંચાયતને 5 લાખ સુધીના કામો કરવાની સત્તા છે તેમ છતાં આજદિન સુધી મંજૂર થયેલ કામના એગ્રીમેન્ટ કરાવેલા નથી.

જેથી સમગ્ર તાલુકાના વિકાસના કામો અટકી ગયા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે વિકાસના કામો ખોરંભે પડ્યાં છે તો તાત્કાલિક ગ્રામ પંચાયતને એગ્રીમેન્ટ કરવા લેટર મોકલવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કે વિરોધની ચીમકી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ, અંકિત ગાવિત સહિતના સભ્યો હાજર રહી લેખિત ફરિયાદ તાલુકા પંચાયત પ્રમુખને કરી હતી.

ખાતમુહૂર્ત કરાઈ રહ્યા છે પરંતુ એગ્રિમેન્ટ થયા નથી
કામ આપી દીધા છે એમ કહે છે, પણ એગ્રીમેન્ટ તો કરી આપતા નથી એટલે અમે આવેદનપત્ર આપ્યું છે કે, 5 લાખ સુધીના કામના એગ્રીમેન્ટ ગ્રામ પંચાયતોને કરી આપવામાં આવે. ટૂંક સમયમાં ચૂંટણીને લઈ આચારસંહિતા લાગી જશે, જેના કારણે કામોના એગ્રીમેન્ટ આપી દેવામાં આવે તો સારું. ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે પરંતુ એગ્રીમેન્ટ થયા નથી તો ખાતમુહૂર્ત ગરીબ આદિવાસી લોકોને ગુમરાહ કરવાનું કામ લોકો કરી રહ્યા છે. ગ્રામ પંચાયતોને જલ્દીથી એગ્રીમેન્ટ કરી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરપંચો દ્વારા સહયોગ મળશે એવી અપેક્ષા છે. - યોગેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સભ્ય, વાંસદા

અન્ય સમાચારો પણ છે...