ઉજવણી:લીમઝરમાં સરકાર પર કટાક્ષ કરવા રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા કોંગ્રેસ દ્વારા યુવાનો સાથે થતા અન્યાયનાે વિરોધ કરાયો

વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુવાનો સાથે થતા અન્યાયના વિરોધમાં સરકાર પર કટાક્ષ કરવા માટે રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો.

વર્તમાન પરિસ્થિતિમાં યુવાનો પાસે રોજગારી નથી, રોજગારી મેળવવા યુવાનો રખડે છે. ગુજરાત સરકાર દ્વારા 37 જેટલી સરકારી નોકરીની ભરતી અટકાવી દેવામાં આવી છે. આવા સંજોગોમાં સરકાર પર કટાક્ષ કરવા 17મી સપ્ટેમ્બરે લીમઝર ગામે યુવાનોની રોજગારી માટે રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે સરકાર યુવાનો વિરૂદ્ધની છે. આ સરકાર નોકરી આપવા માંગતી નથી, ભરતી કરવા માંગતી નથી અને યુવાનો બેરોજગાર બન્યા છે. યુવક કોંગ્રેસ પ્રમુખ રાજીત પાનવાળાએ જણાવ્યું હતું કે આવી યુવાનો વિરોધી સરકારને યુવાનોનું પાણી અને જુસ્સો બતાવવાની જરૂરત છે. વિરોધ પક્ષના નેતા બારૂકભાઈએ જણાવ્યું કે બેરોજગારી એટલી વધી ગઈ છે કે યુવાનો આત્મહત્યા કરવા લાગ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના યુવા સંયોજકો નિકુંજ ગાવિત, તા.પં. પ્રમુખ ચંપાબેન કુંવર, હસમુખભાઇ, અનિલ પટેલ, સંજય પટેલ, કેતન પટેલ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...