ગ્રામસેવક ભરતી નિયમોમાં રાતોરાત ફેરફાર થતા કૃષિ ડિપ્લોમા અને બી.આર.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વાંસદા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. વર્ષોથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર. એસ.ના અભ્યાસક્રમોના આધારે થતી વર્ગ-3ની ગ્રામસેવકની ભરતીમાં છેલ્લે 2016-17ની ભરતી બાદ 1લી જાન્યુઆરી 2018એ સુધારો થયો હતો,ત્યારબાદ 25મી નવેમ્બર 2019ના સુધારો થયો હતો અને ફરી કોઈપણ ભરતી થઈ ન હતી. અચાનક રાતોરાત ઉચ્ચ ડિગ્રીધારકોનો સમાવેશ કરી દેતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસ.ના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓએ વિવિધ માધ્યમો દ્વારા રજૂઆતોનો દોર શરૂ થયો છે.
ઉલ્લેખનિય છે કે, કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર.એસ.ના વિદ્યાર્થીઓ માટે માત્ર ગ્રામસેવક અને અમુક ડિપ્લોમાના વિષયો માટે ખેતી મદદનીશ ભરતીમાં જ સરકારી નોકરી મેળવવાની તક રહેલી છે ત્યારે 11મીએ પંચાયત વિભાગ દ્વારા સમાવેશ કરેલી ઉચ્ચ ડિગ્રી ધારકો માટે એગ્રીકલ્ચર ઓફિસર કૃષિ યુનિ. દ્વારા વિસ્તરણ અધિકારી, એગ્રીકલ્ચર ઓફિસર રાજ્ય કક્ષા, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ આ સિવાય બેન્કિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે.
વળી કૃષિ ક્ષેત્રના ડિપ્લોના અને બી.આર. એસ.ના હરીફ તરીકે સ્નાતક કક્ષાના અને અનેક તકો ધરાવતા ડિગ્રી ધારકોના વિદ્યાર્થીઓનો સમાવેશ થતા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી.આર. એસ.ના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી મેળવવાનો છેલ્લો દરવાજો સરકાર અને જેતે વિભાગ બંધ કરવા જઈ રહી હોય એવું દેખાય રહ્યું છે.
વધુમાં કૃષિ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ગ્રામસેવક ભરતી નિયમોમાં 11મીએ સમાવેશ થયેલ ઉચ્ચ ડિગ્રીના અભ્યાસક્રમોના નોટિફિકેશનને રદ કરી અને 1લી જાન્યુઆરી 2018 આર.આર. મુજબ ભરતી કરવામાં આવે અન્યથા આવનારા સમયમાં કૃષિ ડિપ્લોમા અને બી.આર.એસ.ના વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન અને જરૂર પડ્યે હાઇકોર્ટના દરવાજા ખખડાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.