બેદરકારી:વાંસદામાં 22 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતને સોંપાયેલી પાણીની પરબ જર્જરિત થતા રોષ

વાંસદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ ગણેશ મંડળ દ્વારા પંચાયતમાં અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રિનોવેશન કરાયું નથી

વાંસદા સરદાર બાગ પાસે હિન્દુ મિલન ગણેશ મંડળે બળવંતભાઈ બી.ઢીમ્મર અને નગીનદાસ બી.ઢીમ્મરના સ્મરણાર્થે પીવાના પાણી માટે પરબ બનાવી ગ્રામ પંચાયતને 22 વર્ષ પહેલાં કબજો સુપરત કર્યા બાદ જર્જરિત બનતા હિન્દુ મિલન ગણેશ મંડળની વારંવાર રજૂઆત બાદ ગ્રામ પંચાયત વહીવટદારોએ રિનોવેશન નહીં કરતા હિન્દુ મિલન ગણેશ મંડળના સભ્યોમાં ગ્રામ પંચાયત શાસકો સામે રોષ ફેલાયો હતો.

વાંસદા ગ્રામ પંચાયતને આજથી 22 વર્ષ પહેલા જાહેર માર્ગ પર પીવાના પાણીની પરબ નહીં હોવાથી લોકોને હાલાકી થઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખી હિન્દુ મિલન ગણેશ મંડળ વાંસદાએ બળવંતભાઈ બી. ઢીમ્મર અને નગીનદાસ બી.ઢીમ્મરના સ્મરણાર્થે જાહેર જનતા માટે સરદાર બાગ પાસે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પરબ બનાવી હતી. આ પરબ બનાવીને આજથી 22 વર્ષ પહેલા ગ્રામ પંચાયતને સુપરત કરી હતી. આ પરબનો વહીવટ અને સંચાલન ગ્રામ પંચાયત કરી રહી હતી. હાલમાં પરબ જર્જરિત અને અત્યંત ગંદકી ફેલાયેલી હાલતમાં છે.

પાણીનો નિકાલ થતો નથી, નજીકમાં ગટર ઉપરનું ઢાંકણુ તૂટેલો હોવાથી તેની પણ દુર્ગધ આવી રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. પરબમાંથી પાણી લીકેજ થઈ લીલના થર બાજી ગયા છે. પાણીની ટાંકી પાસે અને પરબ પર ઝાડવા ઊગી નીકળેલા છે, જે પરબ માટે ઘાતક છે અને પરબ પડી જવાનો ભય ઉભો થયો છે.

આ અંગેની ફરિયાદ વાંસદા ગ્રામ પંચાયતને હિન્દુ મિલન ગણેશ મંડળના સભ્ય હર્ષદભાઈ ઢીમ્મરે કરતા પંચાયતના શાસકોએ એમને લેખિતમાં પત્ર લખીને જણાવ્યુ હતું કે 50 % ગ્રામ પંચાયત અને 50 % હિન્દુ મિલન ગણેશ મંડળના ફંડથી પરબના રિનોવેશન કરવામાં આવશે. આ બાબતે હિન્દુ મિલન ગણેશ મંડળના સભ્યો જેતે વખતે વાંસદા ગ્રામ પંચાયતને પરબ સુપરત કરી હતી અને એની જાળવણી અને વહીવટ ગ્રામપંચાયત કરતી હોય ત્યાં હિન્દુ મિલનના સભ્યો કેવી રીતે 50 % ફંડ આપશે એ એક મોટો પ્રશ્ન ઉભો થતા સાથે હિન્દુ મિલન ગણેશ મંડળના સભ્યોમાં ગ્રામ પંચાયત શાસકો સામે રોષ ફેલાયો છે.

પરબ રિનોવેશનની જવાબદારી પંચાયતની છે
વાંસદા ગ્રામ પંચાયતને આજથી 22 વર્ષ પહેલાં બળવંતભાઈ બી. ઢીમ્મર અને નગીનદાસ બી.ઢીમ્મરના સ્મરણાર્થે હિન્દુ મિલન ગણેશ મંડળે પરબ બનાવીને વહીવટ અને જાળવણી માટે સુપરત કરી હતી. હાલમાં જર્જરિત પરબનો રિનોવેશનની જબાબદારી ગ્રામ પંચાયતની બને છે. > હર્ષદભાઈ ઢીમ્મર, વાંસદા હિન્દુ મિલન ગણેશ મંડળ

અન્ય સમાચારો પણ છે...