લોકો ત્રસ્ત:સિણધઇ ગામે નહેરનું રિપેરીંગ કર્યા બાદ રસ્તો નહીં બનાવતા આવાગમન કરતા લોકોને હાલાકી

વાંસદા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિણધઈ ગામે નહેરનું રિપેરીંગ કર્યા બાદ રસ્તો નહીં બનાવતા લોકો ત્રસ્ત  - Divya Bhaskar
સિણધઈ ગામે નહેરનું રિપેરીંગ કર્યા બાદ રસ્તો નહીં બનાવતા લોકો ત્રસ્ત 
  • લીલવણ ફળિયામાં જવા માટે લોકોએ કાદવ-કિચડથી ભરેલા રસ્તા પરથી પસાર થવાની નોબત આવી છે

વાંસદા તાલુકાના સિણધઈ ગામના પાકા રસ્તાથી લીલવણ ફળિયા તરફ જતો રસ્તો બિસમાર હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિકે લેખિતમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી.વાંસદા તાલુકાના સિણધઈ ગામના મુખ્ય પાકા રસ્તાથી લીલવણ ફળિયા તરફ મનુભાઈના ઘર તરફ જતો રસ્તો થોડાક દિવસો પહેલા માઈનોર નહેરનું રિપેરીંગ કામ કર્યું હતું. આ વિસ્તારમાં 8થી 10 ઘર આવેલા છે અને ખેડૂતોના ખેતરો પણ આવેલા છે. આ નહેરમાં રિપેરીંગ કામ કર્યા બાદ વહીવટી તંત્રે રસ્તાનું રિપેરીંગ કામ નહીં કરતા ખેડૂતો સહિત શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ સમયસર શાળાએ જઈ શકતા નથી.

ભારે વરસાદ દરમિયાન અરજદાર મનુભાઈ પટેલની પત્ની નયનાબેન પટેલ બીમાર પડ્યા ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકી ન હતી. બાદમાં ભારે જહેમત બાદ વલસાડ હોસ્પિટલમાં લઇ જતા ત્યાં એમનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ ઘર સુધી લઇ જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

માણસને અંતિમ સમયમાં પણ રસ્તાના લીધે હાલાકી ભોગવી પડી હતી. આ રસ્તા પરથી ટ્રેકટર પણ પસાર થઇ શકતું નહીં હોવાથી ખેતીકામ માટે કે ખેડવા કોઈ સાધન-ટ્રેકટર રસ્તાને લીધે જઈ શકતા નથી. જેને પગલે આ વિસ્તારના લોકો આજે પણ 20મી સદીમાં જીવી રહ્યાં હોય તેવો અહેસાસ કરી રહ્યાં છે. ચોમાસાની સિઝનમાં બાઈક પણ ઘર સુધી પહોંચી શકતું નથી, એ પણ દૂર રોડ પર મૂકી ને જવું પડે છે.

ઘર સુધી ચાલીને પણ જવાતુ નથી
લીલવણ ફળિયામાં અમારા ઘર સુધી ચાલીને પણ જવાતું નથી. મારી પત્નીનું બીમારીના કારણે મોત થયું હતું. તેમાં પણ હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ તો દૂર રહી પણ ચાલીને બહાર નીકળવામાં પણ જોખમ સાથે ત્રાહિમામ પોકારી ઉઠ્યો હતો. જેથી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી અને વાંસદા કાર્યપાલક મેજિસ્ટ્રેટને લેખિતમાં ફરિયાદ કરી છે. - મનુભાઈ પટેલ, સ્થાનિક, સીણધઈ લીલવણ ફળિયું

અન્ય સમાચારો પણ છે...