અકસ્માત:પિપલખેડ ત્રણ રસ્તે કારે બાઇકને અડફેટે લેતા રાવણિયાના યુવકનું મોત

વાંસદા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીથી આવતા મોટાભાઇને ડેપો પર લેવા જતો હતો

વાંસદા તાલુકાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા પિપલખેડ ગામના ત્રણ રસ્તા પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. વાંસદા-ધરમપુર રોડ પર આવેલા પિપલખેડ ગામના ત્રણ રસ્તે રાત્રે 8.30 કલાકે પ્રજ્ઞેશભાઈ રસિકભાઈ રોંધા (ઉ.વ. 21, રહે. રવાણીયા, રોંધા ફળિયા, તા. વાંસદા) તેમનો મોટો ભાઈ વાપીથી આવતો હોય તેને લેવા બાઈક (નં. જીજે-21-બીએસ-5722) પર પિપલખેડ ગામે બસ ડેપો ગયો હતો.

દરમિયાન માંડવખડક ગામ તરફથી કાર (નં. જીજે-21-સીબી-8707)નો ચાલક કાંતિભાઈ નાનજીભાઈ ભગરીયા (રહે. અંકલાછ, વણજારવાડી, તા.વાંસદા)એ પૂરઝડપે કાર હંકારી બાઈકને અડફેટે લીધી હતી. જેને પગલે બાઈકચાલક પ્રજ્ઞેશભાઈ રોડ પર ફંગોળાતા માથાના ભાગે આવેલી ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ વાતની તેમના પરિજનોને ખબર પડતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી જતા મૃતકને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંસદા પોલીસમાં વિજયભાઈ રોધા (રહે. રવાણીયા)એ કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...