જૂજ જૂથ પાણી યોજના:વાંસદાના 16 ગામના 36250 લોકો હવે તરસ્યા નહીં રહે

વાંસદા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદાના ખડકીયા ગામે 567 લાખના ખર્ચે તૈયાર થનાર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
  • 65 ટકા આદિવાસી વિસ્તારના લોકોને નલ સે જલ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખડકીયા ગામે 16 ગામને આવરી લેતી જૂજ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત રાજયના વનમંત્રીના હસ્તે કરવામાં આવતા લોકોમાં આનંદ ફેલાયો હતો. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, નલ સે જલ કાર્યક્રમ હેઠળ વાંસદા તાલુકાના આદિવાસી સમાજને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જૂજ જૂથ પાણી પુરવઠા યોજનાનો મુખ્ય આશય છે. 567 લાખના ખર્ચે જૂજ જૂથ પાણી પુરવઠા યોજનાથી 16 ગામોના 36250 જેટલો લોકોને આનો લાભ મળશે.

રાજય સરકાર દરેક વ્યકિતના ઘર સુધી પાણી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. 65 ટકા આદિવાસી વિસ્તારના લોકોને નલ સે જલ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયાં છે. જેમાં આરસીસીની ઉંચી ટાંકી સમ્પ પાઇપલાઇન પમ્પગી મશીનરી પંપ ઘર તથા વીજળી કનેક્શન સાથે જૂજ,ખડકીયા,નવાનગર, વાંસિયા તળાવ, રાણી ફળિયા, હનુમાનબારી, નાની ભમતી, મોટી ભમતી, હોલીપાડા, ગોધાબારી, મનપુર, સીતાપુર, ધાકમાળ, નવતાડ, મહુવાસ, ચારણવાડા ગામનો સમાવેશ કરાયો છે.

વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે ત્યારે સૌ લોકો જાગૃત થઇને વધુ વૃક્ષ વાવવા જેથી વરસાદ, પાણીનું જળસ્તર વધારી શકાય અને આવનારી પેઢીને ઉપયોગી બને તેમ જણાવ્યું હતું. દરેકે પોતાની ફરજ સમજીને વધુ વૃક્ષોનું વાવેતર સાથે પાણીનો બગાડ નહીં કરવા જણાવ્યું હતું. વલસાડના સાંસદ ડો.કે.સી. પટેલે જણાવ્યું હતું કે, પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારે નલ સે જલ કાર્યક્રમ અમલમાં મૂકયો છે. આ યોજનાથી વાંસદા તાલુકાના આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ લાભ થશે. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલ સહિત અધિકારીઓ, ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...