માટી ધસી:ચાપલધરા તળાવમાંથી માટી કાઢતા ૩ દબાયા, 1 ગંભીર, મહિલાની સ્થિતિ નાજુક, સુરત રિફર કરાઇ

વાંસદા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના ચાપલધરા ગામે આવેલા તળાવમાંથી 2 મહિલા અને 1 પુરુષ માટી કાઢતા હતા. તે દરમિયાન માટી ધસી પડતા ત્રણે માટીમાં દબાઇ ગયા હતા. જેમાં એક મહિલા અને એક પુરુષને ચીખલી દાખલ કરાયા છે જ્યારે 1 મહિલાની હાલત ગંભીર જણાતા તેણીને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

વાંસદા તાલુકાના ચાપલધરા ગામે નવાનગર (દાદરી) ખાતે રહેતા શારદાબેન શંકરભાઈ પટેલ (ઉ.વ. 48), કમળાબેન ભરતભાઇ પટેલ (ઉ.વ. 52) અને રૂમાભાઈ બલ્લુભાઈ પટેલ (ઉ.વ. 60) ચાપલધરાથી ચક્કરીયા જતા માર્ગ પર નવી વસાહત પાસે આવેલા તળાવમાંથી ઘરે લીપણ-થાપણ માટે માટી કાઢી રહ્યા હતા. તે દરમિયાન માટી ધસી પડતા તેઓ ત્રણે માટીમાં દબાઇ ગયા હતા. તેઓએ દબાઈ જતા ચીસાચીસ કરી મુકતા લોકોએ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા. તેઓને 108 એમ્બ્યુલન્સમાં ચીખલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં કમળાબેન પટેલ અને રૂમાભાઈ પટેલ સારવાર લઈ રહ્યા છે. જ્યારે શારદાબેન પટેલને ગંભીર ઇજા હોય તેણીની હાલત કથળતા તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...