ગોઝારો અકસ્માત:વાંસદાના ચોંઢા ગામના વળાંકમાં 2 બાઇક સામસામે અથડાઈ, એક બાઇક પર સવાર 3નાં મોત, બીજી બાઇકના 3 ઇજાગ્રસ્ત

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીચોંઢા વિસ્તારમાં 4 વળાંક આવેલા છે, 15 વર્ષ પહેલાં લકઝરી બસ પલટી જતાં 11નાં મૃત્યુ થયાં હતાં એનાથી 100 મીટર દૂર બીજી મોટી ઘટના
  • હથનબારીથી એક જ બાઇક પર નીકળેલા બે શખનું ઘટનાસ્થળે જ, જ્યારે તેમની સાથે સવાર ખાટાઆંબાની મહિલાનું રસ્તામાં મૃત્યુ થયું

વાંસદા તાલુકાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા વાડીચોંઢા ગામના વચલું ફળિયામાં વળાંક પાસે સામસામે બાઈક અથડાતાં 2 જણનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે મહિલાનું વધુ સારવાર અર્થે લઇ જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકસવારોને નાની-મોટી ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ધરમપુર હથનબારી ગાવિત ફળિયામાં રહેતા રાજુભાઈ દેવજીભાઈ જાદવ અને ફળિયામાં જ રહેતા ઝીણાભાઈ જતરભાઈ વાંઢુ અને ખાટાઆંબાની શર્મિલાબેન મહેશભાઈ બાઈક (નં. જીજે-15-એએલ-3411) પર ટ્રિપલ સવારીમાં ધરમપુર તરફ જઈ રહ્યાં હતાં.

દરમિયાન વાંસદા તાલુકાના વાંસદા-ધરમપુર રોડ પર આવેલા વાડીચોંઢા ગામના વચલા ફળિયાના વળાંક પાસે પીપલખેડના દેવેન્દ્ર શંકરભાઈ ગાવડા, અજયભાઈ દેવરામભાઈ પઢેર અને કેલિયાના મનીષભાઈ દેવજીભાઈ વાઘેરા ટ્રિપલ સવારી યુનિકોન બાઈક (નં. જીજે-21-એએન-8739) પૂરઝડપે હંકારી લાવી રાજુભાઈની બાઈક સાથે અથડાવી દીધી હતી, જેને પગલે બંને બાઈકના સવારો રસ્તા પર ફંગોળાયા હતા જેને પગલે રાજુભાઈ જાદવ અને ઝીણાભાઈ વાંઢુનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

જ્યારે શર્મિલાબેનને ગંભીર ઈજા પહોંચતાં ચીખલી રિફર કરતાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે યુનિકોન બાઈકના સવારોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં સમગ્ર વાડી ચોંઢા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લોકો ઘટના સ્થળે ધસી આવી રાહત કાર્યમાં જોડાયા હતા. મૃતકના ભાઈ જયરામભાઈ દેવજીભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ઢાળ અને વળાંક અકસ્માત નોંતરે છે
અમારા વિસ્તારમાં 4 જેટલા વળાંક આવેલા છે. આ વળાંકમાં અવાર નવાર અકસ્માત સર્જાતા રહ્યાં છે. 15 વર્ષ પહેલાં ખાનગી લકઝરી બસ હાલ જ્યાં ઘટના બની છે તેનાથી 100 મીટર દૂર બીજા વળાંકમાં પલટી ગઈ હતી, જેમાં 11 વ્યકિતના મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત હાલ જ્યાં ઘટના બની છે. ત્યાં પણ એક વર્ષ પહેલાં અકસ્માત સર્જાઇ ચૂક્યો છે.

આ વિસ્તાર ઢાળ વાળો અને તેમાં વળાંક હોવાથી અકસ્માત સર્જાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. તંત્ર દ્વારા આ બાબતે આજદિન સુધી કોઈ યોગ્ય પગલાં ભરાયાં નથી. અકસ્માત નિવારવા તંત્રએ નક્કર કામગીરી કરવી જોઈએ. > શૈલેષભાઈ ગાવિત, માજી-સરપંચ, વાડીચોંઢા ગામ.