તપાસ:17 દિવસ પહેલા કાર સાથે તણાયેલા યુવાનની ચૌંઢાની નદીમાંથી લાશ મળી

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરના બોપી ગામેથી યુવાન પૂરમાં તણાયો હતો

ધરમપુર તાલુકાના ઢોલડુંગરીનો યુવાન તેના મિત્રો સાથે 17 દિવસ પહેલા ઇકો કારમાં બોપી ગામેથી ખનકી ઉપરથી પસાર થઇ રહ્યા હતા. એ દરમિયાન તેઓ ઇકો કાર સાથે પાણીના પ્રવાહમાં તણાયા હતા. કાર સાથે તણાયેલા યુવાનની લાશ વાંસદા તાલુકાના ચૌંઢા ગામ પાસેથી પસાર થતી નદીમાંથી મંગળવારે મળી આવી હતી

ધરમપુર તાલુકાના ઢોલડુંગરી ગામે રહેતા જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ. 40)એ ગત 10મી જુલાઈના રોજ તેના સાસરે મરલા ગામે તેના મિત્ર જીગ્નેશભાઈ શંકરભાઈ, ધર્મેશ ગોવિંદભાઈ અને મોહનભાઈ રવિયાભાઈ સાથે ઇકો કાર (નં. જીજે- 15-સીજી-9505)માં નડગધરી ગામે ટ્રેકટર રિપેરીંગ કરવા ગયા હતા.

તેઓ 11મી જુલાઈના રોજ બપોરે 2.15 કલાકે બોપી ગામે આવેલ ખનકી (કોતરડુ) ઉપર આવેલા નાળા ઉપરથી કાર લઇને પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન વરસાદના પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતા તેને પાણીમાંથી કાઢવા જતા કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જેમાં જીજ્ઞેશ પાણીમાંથી બહાર નીકળી આવ્યો હતો, જ્યારે બાકીના કાર સાથે તણાઈ ગયા હતા.

જ્યારે કાર અને ધર્મેશ ગોવિંદભાઈની લાશ મળી આવી હતી અને મોહનભાઈ અને જયંતિભાઈની લાશ મળી ન હતી. મંગળવારે વાંસદા તાલુકાના ચૌંઢા ગામની તાન નદીના પાટ સખી દરાના પાણીમાં વેલાવાળી જાળી ઉપરથી જયંતિભાઈની ડીકંપોઝ અને નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ (રહે. ઢોલડુંગરી, તા.ધરમપુર, જિ.વલસાડ)એ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી એએસઆઈ પ્રવિણભાઈ ગમનભાઈએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...