તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાંસદા તાલુકામાં કાયમી મામલતદાર અને TDO નિમણૂંક ક્યારે?

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકામાં કાયમી મામલતદાર-ટીડીઓ નિમણુક ન કરાતા લોકોને આવક-જાતિના દાખલા માટે પડતી હાલાકી. - Divya Bhaskar
વાંસદા તાલુકામાં કાયમી મામલતદાર-ટીડીઓ નિમણુક ન કરાતા લોકોને આવક-જાતિના દાખલા માટે પડતી હાલાકી.
  • પ્રજાને પડતી મુશ્કેલી બાબતે સરકાર હંમેશા કટિબદ્ધ રહેતી હોય અનેક રજૂઆતો છતાં બે વર્ષથી તંત્રનું ઉદાસીન વલણ
  • બે વર્ષથી મામલતદાર-ટીડીઓની કાયમી નિમણૂંકનો ગુંચવાતો પ્રશ્ન, લોકોને આવક-જાતિના દાખલા માટે પડતી હાલાકી

વાંસદા તાલુકામાં બે વર્ષથી મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણુક નહીં કરાતા તાલુકાના 95 ગામના લોકોના કામો તેમજ પંચાયતોના વિકાસકીય કામોને બ્રેક લાગી ગઈ છે. અહીં કામ અર્થે આવતા લોકોએ ધરમધક્કો ખાવાનો વારો આવે છે. જેથી મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં આવે એ જરૂરી બન્યું છે. વાંસદા તાલુકામાં 95 ગામોના અનેક વિકાસકીય કામો વાંસદા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા હોય છે.

જેથી અનેક ગામોના સરપંચો તેમજ તલાટી ગામના વિકાસના કામો માટે તાલુકા મથકે આવતા હોય છે. હાલમાં શૈક્ષણિક સત્ર ચાલુ થવાના કારણે આવક-જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓએ તાલુકા મથકે આવતા હોય છે. જોકે તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણૂંક નહીં કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજાને પડતી મુશ્કેલી બાબતે સરકાર હંમેશા કટિબદ્ધ રહેતી હોય છે છતાં પણ અનેક રજૂઆતો કરવા છતાં બે વર્ષથી વાંસદા તાલુકામાં મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક બાબતે તંત્ર દ્વારા ઉદાસીન વલણ અપનાવામાં આવી રહ્યું છે.

જેને પગલે આદિવાસી પ્રજાને તાલુકાના અને કચેરીના કામો બાબતે ધરમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. જેથી આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. હાલમાં તાલુકામાં ટીડીઓ તરીકે નવસારીના નાયબ ડીડીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેઓ સપ્તાહમાં બે દિવસ બુધવારે અને શુક્રવારે આવતા હોય છે.

ખેરગામ મામલતદારને ચાર્જ
વાંસદામાં હાલમાં મામલતદાર તરીકે તૃપ્તિબેન પાંચ મહિના ટ્રેનિંગમાં હતા. તેમની ગણદેવીમાં ટીડીઓ તરીકે નિમણૂંક થતા 30મીએ તેઓ જતા રહ્યાં હતા. હાલમાં ખેરગામના મામલતદારને વાંસદાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોય તેઓ હાલમાં વાંસદા અને ખેરગામ એમ બંને ચાર્જ સંભાળી રહ્યાં છે.

સત્વરે સમાધાન થાય એ જરૂરી
આવક-જાતિના દાખલા તેમજ બીજા અનેક વિકાસકીય કામો માટે વાંસદા મથકે જવું પડતું હોય છે પરંતુ મામલતદાર અને ટીડીઓની કાયમી નિમણૂંક નહીં હોવાને કારણે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. જેથી આ સમસ્યાનું સત્વરે સમાધાન થાય એ જરૂરી છે. -કિરીટભાઇ પટેલ, સ્થાનિક, વાલઝર

કાયમી નિમણૂંક નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન
ઓનલાઇન શાળા શરૂ થતાં જ શાળાઓમાં આવક જાતિના દાખલા આપવાના હોય છે, જેના કારણે વાંસદા તાલુકામાં લોકો દાખલા તેમજ વિકાસકીય કામોને લઈ અનેક કામો લઈને આવતા હોય છે. તેઓ દાખલા માટે વારંવાર ધક્કા ખાઈ રહ્યા હોય જેથી તાલુકા મથકે કાયમી ટીડીઓ તેમજ મામલતદારની નિમણૂંક કરવામાં આવે તો અનેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. હાલમાં સરકાર વિકાસના કામોને વેગવંતું બનવવાની વાતો કરી રહી છે.

ત્યારે વાંસદા તાલુકા મથકે મામલતદાર અને ટીડીઓની કાયમી નિમણૂંક નહીં કરાતા આદિવાસી વિસ્તારના લોકોના કામો અટવાઈ રહ્યાં છે. જેથી સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. જો અધિકારીઓની કાયમી નિમણૂંક કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં લોકો સાથે ભેગા મળી ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. - અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...