તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ચડાવથી કેળકચ્છનો માર્ગ વર્ષોથી બિસમાર

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર થીંગડા મારવામાં તંત્ર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ નંખાયું

ઉનાઈ નજીક આવેલા ચડાવ ગામે ચડાવથી કેળકચ્છને જોડતો 4 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હોય જ્યાં તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા રસ્તા પર માત્ર થીંગડા મારવામાં આવ્યાં હતા. જોકે થીંગડા મારવામાં પણ વાપરવામાં આવેલો ડામર હલકી કક્ષાના હોવાના કારણે વાહનોની અવરજવરને કારણે ડામર અને કપચી રોડ પરથી નીકળવાનો કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.ઉનાઈને અડીને આવેલા ચડાવ ગામે વાપી-શામળાજી હાઈવેની બાજુમાંથી પસાર થતો સિંગલ રસ્તો જે ચડાવ, ચરવી, બારતાડ તેમજ કેળકચ્છને જોડતો રસ્તો હોય આ અદિવાસી વિસ્તાર હોય અહીં લોકો ખેતી સાથે સંકળાયેલા છે.

નાના-નાના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે, જેના કારણે ખેડૂતવર્ગને ખેતીવિષયક કામો માટે આ એકમાત્ર રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત મજૂર-વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. પશુપાલકો આ રસ્તે ચડાવ ડેરી પર દૂધ ભરવા આવતા હોય છે. ભૂતકાળમાં આવા બિસ્માર રસ્તાને કારણે પશુપાલકો દૂધ લઇ આવતા આ રસ્તે વાહન લઈ પટકાયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે લોકોને નુકસાન થતું હોય છે. જોકે તંત્રને આ બધી બાબતનો કોઈ ફરક પડતો ન હોય તેમ માત્ર અમુક ખાડામાં હલકી કક્ષાનું મટીરીયલ નાંખી પુરવામાં આવ્યા છે.

જોકે વરસાદને કારણે ખાડામાં નંખાયેલું મટીરીયલ ધોવાય જવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. તંત્ર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું. હવે ચોમાસાની સીઝન શરૂ થઇ છે ત્યારે આ ખખડધજ રસ્તો વધુ બિસ્માર થવાની સંભાવના હોય ભવિષ્યમાં મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાય રહ્યા છે.

રસ્તો ઉબડખાબડ હોવાથી વાહનચાલકો પટકાય છે
આજ એકમાત્ર રસ્તેથી રોજ પસાર થવાનું હોય છે. કેટલાય સમયથી આ રસ્તો બિસ્માર હોય અવરજવર માટે અનેક સમસ્યા ઉભી થતી હોય છે. વાહનોમાં પણ નુકસાન થાય છે. આ રસ્તા પર થીંગડા મારવાને કારણે રસ્તો ઉબડખાબડ થતા વાહનચાલકો પટકાતા હોય છે. વળી થીંગડામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાના કારણે વરસાદી પાણીના કારણે ડામર-કપચી ધોવાઈ જવાને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. -રમણભાઇ પટેલ, ચરવી

ચોમાસામાં સમસ્યા રહેશે
રસ્તો કેટલાય સમયથી બિસમાર થયો હોય રસ્તામાં વચ્ચોવચ અનેક જગ્યાએ ધોવાણ થઈ ગયું હતું. રસ્તા પર અમુક જગ્યાએ થીંગડા મરાયા હોય સ્થાનિકોએ બીજા ખાડાઓમાં પણ મટીરીયલ નાંખવા માટે કહ્યું તો એમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અમને જેટલું મટીરીયલ આપવામાં આવ્યું છે એટલામાં કામ પતાવવાનું છે. જેથી આ રસ્તા બાબતે ચોમાસા દરમિયાન સમસ્યા રહે તો નવાઈ નથી. -ઉર્મિલાબેન પટેલ, સ્થાનિક, ચડાવ

અન્ય સમાચારો પણ છે...