તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામ બંધનું એલાન:પૌરાણિક ઉનાઇ મંદિર સંપૂર્ણ ખોલાવવા ગ્રામજનો મેદાને

ઉનાઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના તમામ ગેટ અને કુંડ ખોલવમાં નહીં આવે તો બુધવારે ખંભાલિયા, ઉનાઇ ગામ બંધ રહેશે
  • ધારાસભ્ય અનંત પટેલે પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી

વાંસદા તાલુકાના ઉનાઈમાં આવેલા પવિત્ર યાત્રાધામ અને આસ્થાનું કેન્દ્ર એવા ઉનાઈ મંદિરને લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવ્યા બાદ મોટાભાગના મંદિરો સરકારની ગાઈડલાઇન પ્રમાણે ખુલી ગયા હોવા છતાં ઉનાઈ મંદિરને શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે ખુલ્લું મુકવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા મંદિર સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી પૂજા કરવા માટે તેમજ ગરમ પાણીના કુંડ તાત્કાલિક ધોરણે ખોલવાની રજૂઆત કરતા ગ્રામજનોના સમર્થન સાથે ઉનાઈ તેમજ ખંભાલિયાના ગ્રામ પંચાયત દ્વારા આજે ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી બે દિવસમાં મંદિર અને કુંડ ખોલવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાંસદાના ઉનાઈમાં આવેલ માતાજીનું મંદિર તેમજ ગરમ પાણીના કુંડ જનતા માટે આસ્થાનું પ્રતિક છે. ઉનાઈ અને ખંભાલિયાની સ્થાનિક જનતાને પણ આ મંદિરને કારણે દૂરદૂરથી આવતા શ્રદ્ધાળુઓને લઈ રોજગારી મળી રહે છે. કોરોના મહામારી વચ્ચે આ ઉનાઈ મંદિરને શ્રદ્ધાળુઓના પૂજા-અર્ચના માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

હાલ જ્યારે કોરોના અંકુશમાં છે અને મોટાભાગના મંદિરો ખુલ્લા થયા છે ત્યારે ઉનાઈ મંદિરને હજી સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું નહીં કરાતા સ્થાનિકોમાં નારાજગી છે. ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં મંદિરના વહીવટકર્તાઓ મનમાની ચલાવતા હોવાના કારણે ગ્રામજનો તેમજ બહારથી આવતા શ્રદ્ધાળુઓમાં નારજગી જોવા મળી રહી છે.

ધારાસભ્ય અનંત પટેલે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે ઉનાઈ માતાજી મંદિરના ત્રણ દરવાજા છે, આ તમામ દરવાજા ખોલવા તેમજ ગરમ પાણીના કુંડ દિન-2માં ખોલવા અને જો આ મંદિરના દરવાજા અને કુંડ ખોલવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા મંદિર સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી પૂજા કરવા તેમજ ગરમ પાણીના કુંડ તાત્કાલિક ધોરણે ખોલવાની રજૂઆત કરતા ગ્રામજનોના સમર્થન સાથે ઉનાઈ તેમજ ખંભાલિયાના ગ્રામ પંચાયત દ્વારા આજે ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

ગ્રામજનોના સમર્થનમાં બંધનું એલાન કરાયું છે
ઉનાઈ મંદિર સંપૂર્ણપણે ખોલવામાં આવે એવી ગ્રામજનોની માંગને લઈ ઉનાઈ પંચાયત દ્વારા ગ્રામજનોના સમર્થનમાં 25મીને બુધવારે ઉનાઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે. - જ્યોતિબેન પટેલ, સરપંચ, ઉનાઈ

આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે
ઉનાઈ માતાજી તેમજ ગરમ પાણીના કુંડ આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે તેમજ મંદિર સંપૂર્ણપણે ખોલવાથી પ્રવાસીઓ વધવાને કારણે અનેક ધંધા-રોજગાર ચાલે એમ છે. જેથી ઉનાઈ માતાજી મંદિરના તમામ દરવાજા સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી પુજા કરવા માટે ખુલ્લા મુકવા તથા ગરમ પાણીના કુંડ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી લોકમાંગ છે. જો વહીવટકર્તાઓ દ્વારા મંદિર સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. - રાજુભાઇ (નેર) પટેલ, મંત્રી, વાંસદા ભાજપ સંગઠન

તમામ વાયદા પોકળ સાબિત થયા
ઉનાઈ મંદિરના વહીવટી તંત્ર જાણે ભાવિ ભક્તો માટે ગરમ પાણીના કુંડ ખોલવા માટે તદન વામણા પુરવાર સાબિત થયા છે. ધાર્મિક તહેવારોમાં પણ કુંડ અને મંદિર સંપૂર્ણ ખોલવાના વાયદાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. મંદિર વહીવટી તંત્ર રાજકારણની રમત-બાજુ પર મૂકી તેમની ફરજ પૂર્ણ કરે એ જ સમયની અને લોકોની માંગ છે. વહેલી તકે તંત્રએ આ માંગણી સ્વીકારી લેવી જોઇએ. - સ્થાનિક ગ્રામજનો

ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે
હાલમાં ઉનાઈ માતાજીના મંદિરને લઇ વિવાદ વકર્યો હોય ગ્રામજનો મંદિર સંપૂર્ણપણે ખોલાવવા માટે આક્રમક મૂડમાં છે. હાલમાં જ ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટી સાથે મળી વાંસદામાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ અનેકવાર રજૂઆતો કરવા છતાં મંદિર વહીવટદારો આ બાબતે મનમાની કરી રહ્યાં છે. જેથી ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યાં છે. - કિશોરભાઈ ભંડારી, સ્થાનિક વેપારી, ઉનાઈ

મંદિર બંધ રહેતા લોકોની રોજગારી છીનવાઇ છે
આ મંદિર નહીં ખોલાતા શ્રદ્ધાળુઓમાં તો નારાજગી છે જ, મંદિર બંધ રહેતા સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ છે. લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો બે દિવસમાં મંદિર સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું. - અનંત પટેલ, ધારાસભ્ય વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...