બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુનઃશરૂ થશે કે માત્ર ઇતિહાસ બની રહેશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ટ્રેન પુનઃસરૂ કરવા બાબતે આદિવાસી વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય રેલવે તંત્ર તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ટ્રેન ચાલુ કરવા બાબતે માત્ર વાયદાઓથી સંતોષ માનવામાં આવી રહ્યો હોય જેથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.
કોરોના કાળ દરમિયાન નેરોગેજ ટ્રેન બંધ કરવામાં આવી હતી જે બાદમાં રેલવે તંત્ર દ્વારા ખોટમાં ચાલતી હોવાનું જણાવી પુનઃ શરૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે ટ્રેન બંધ કરવાના નિર્ણયને કારણે આદિવાસી વિસ્તારના લોકો સાથે થઈ રહેલા અન્યાયને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. જેથી સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક લોકોએ આ બાબતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી પટેલ દ્વારા ટ્રેન પુનઃ શરૂ કરવા માટે રેલવે મંત્રાલયમાં રજૂઆત પણ કરી હતી, જે બાદ ગાયકવાડના પ્રપૌત્રએ પણ ટ્રેન હેરિટેજના દરજ્જામાં આવતી હોય પુનઃ શરૂ કરવા રજૂઆત કરી હતી. જે બાદ રેલવે તંત્ર દ્વારા ટ્રેન પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હાલમાં કોરોનાના કેસમાં મોટાપાયે ઘટાડો થઇ રહ્યો હોય સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે છૂટછાટ આપવામાં આવી રહી હોય તો ટ્રેન પુનઃશરૂ કરવામાં વિલંબ શા માટે એ સવાલ પેચીદો બનતો જાય છે. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન અહીંના સ્થાનિક લોકો માટે આશીર્વાદ સમાન છે. નેરોગેજ ટ્રેન આદિવાસી વિસ્તારમાં આવદન જાવન માટે સસ્તી મુસાફરીનું સાધન છે.
એસી કોચ સાથે ટ્રેન શરૂ થશે ખરી?
રેલવે તંત્ર દ્વારા અગાઉ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ખોટમાં ચાલતી હોવાનું જણાવી ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો બાદમાં રાજકારણીઓ તેમજ અગ્રણીઓ દ્વારા વિરોધ કરવા બાદ ટ્રેન પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ પણ વધારાના એસી કોચ સાથે જેમાં રેલવેના અધિકારીઓ સરવે કરવા માટે પણ આવ્યાં હતા. જો વર્ષોથી ચાલતી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ખોટમાં ચાલતી હોય તો એ.સી કોચ શરૂ કરવાથી શું આવક બમણી થશે ?
ટ્રેન ચાલુ કરવાના દાવા પોકળ સાબિત થયાં
હાલમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારની ગાઈડલાઈન પ્રમાણે છૂટછાટ આપવામાં આવી હોય વાહન વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યો હોય તો રેલવે તંત્ર દ્વારા ટ્રેન પુનઃ શરૂ કરવા માટે કેમ વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે રાજકીય અગ્રણીઓ દ્વારા ટ્રેન ચાલુ કરાવવાની રજૂઆત છતાં ટ્રેન ચાલુ નહીં થતા દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. જેના કારણે પણ રાજકારણીઓથી લઇ સામાન્યજનમાં તર્કવિર્તકો શરૂ થઇ ગયા છે.
વહેલી તકે ટ્રેન ચાલુ કરવા લોકમાગ
અમારા આદિવાસી વિસ્તારના લોકો માટે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન જીવાદોરી સમાન છે. આદિવાસી વિસ્તારના લોકો મોટાભાગે અવરજવર માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં કોરોના કાળમાં તેમજ વરસાદ ઓછો હોવાને કારણે સ્થાનિકો આર્થિક રીતે ખુબ જ મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેથી આવા સમયમાં સસ્તી મુસાફરી તેમજ સમયની બચત અહીંના લોકોને પરવડે એમ છે. જો ટ્રેન ચાલુ નહીં થાય તો અહીંના સ્થાનિક લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે. જેથી વહેલી તકે ટ્રેન ચાલુ કરવામાં આવે એવી લોકોની માંગ છે. > કમલેશભાઈ ગામીત, માજી સરપંચ, બારતાડ
ટ્રેન નહીં ચાલુ થાય તો ફરી ધરણાં કરાશે
ટ્રેન ચાલુ કરવા માટે રેલવે તંત્ર અનેક વાયદાઓ કરી રહી છે અમારા ધરણાં પ્રદર્શન કરવાના કારણે રેલવે તંત્ર દ્વારા માત્ર ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો પરંતુ ટ્રેન શરૂ કરવામાં નથી. જેના કારણે આદિવાસી વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી આવનાર દિવસોમાં લોકમાંગને લઇ રેલવે સ્ટેશનો પર ફરી ધરણાં પ્રદર્શન કરાશે.> અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.