અકસ્માત:વાપી-શામળાજી રોડ પર ખાડાઓને કારણે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો

ઉનાઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગના પેચવર્કની કામગીરીમાં વપરાતા મટિરિયલ સામે સવાલો ઉઠ્યા

વાંસદાના ઉનાઈથી પસાર થતો વાપી-શામળાજી હાઈવે પર પડેલા ખાડાઓને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે. સોમવારે ભમતીમાં કોલેજ સામે પડેલા ખાડાને કારણે વહેલી સવારે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ થવા પામી ન હતી.

વાંસદા-ઉનાઈ થી પસાર થતો વાપી-શામળાજી હાઇવે કે જે 24 કલાક વ્યસ્ત હાઇવે હોય જે હાઇવે પર વાંસદા થી લઇ ઉનાઈ સુધી ઠેર ઠેર રસ્તામાં મસમોટા ખાડા પડવાને કારણે રોજબરોજ અનેક અકસ્માતો સર્જાતા હોય છે. વાપી-શામળાજી હાઇવે પર દર ચોમાસમાં ઓથોરિટીની રસ્તા બાબતે પ્રિમોન્સૂન કામગીરીનો અભાવને કારણે નિર્દોષ વાહનચાલકોને ભોગવવાનો વારો આવતો હોય છે. જેમાં હાઇવે ઓથોરિટી દ્વારા ચોમાસામાં ડામરની કામગીરી ન થવાનો રાગ આલોપતા હોય છે તેમજ ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થવાનું કારણ દર્શાવવામાં આવતું હોય છે.

જોકે ચોમાસા બાદ તંત્ર દ્વારા ઉનાઈથી વાંસદા સુધી જોરશોરમાં હાઇવેના રસ્તા પર પેચવર્ક કરવામાં આવતું હોય છે છતાં વાંસદા થી ઉનાઈ સુધી થોડાજ સમયમાં અનેક જગ્યાએ જેમકે ઉનાઈ પેટ્રોલ પંપ પાસે, કાવેરો નદીના પુલ પર, જાનકીવનના વળાંક પાસે, ભીનાર ફટાક પાસે તેમજ ભમતી કોલેજ પાસે મસમોટા ખાડાનું નિર્માણ થતું હોય છે. આ વર્ષે દિવાળીમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારામાં દિવાળી વેકેશન કરવા ઘસારો જોવા મળ્યો હતો. ઉનાઈથી વાંસદા થઈને જતા સહેલાણીઓ માટે વાપી-શામળાજી હાઇવે માથાનો દુ:ખાવા સમાન બન્યો હતો.

ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતાવે છે
વાંસદામાં રોજ કામઅર્થે બાઇક લઈને જવાનું થતું હોય છે પરંતુ રસ્તા પર પડેલા ખાડાઓને કારણે અનેકવાર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રાત્રિ દરમિયાન સામેથી આવતા મોટા લોડિંગ વાહનો ખાડા બચાવવા જતા નાના વાહનોને અકસ્માત સર્જી દેતા હોય છે. જેથી રાત્રિ દરમિયાન બાઇક લઈને જવામાં અકસ્માત સર્જાવાનો ભય સતાવે છે. > સતિષભાઈ પટેલ, સ્થાનિક, ભીનાર

નિરાકરણ નહીં આવે તો ધરણાં પ્રદર્શન-ચક્કાજામ કરાશે
વાંસદાથી ઉનાઈ સુધી પડેલા મસમોટા ખાડાઓને કારણે અનેક નિર્દોષ વાહનચાલકોને હાલાકિ ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા પેચવર્કની કામગીરી બાદ પણ હાઇવે પર મસમોટા ખાડાઓ પડતા પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું જણાય આવે છે. આવનાર દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો હાઇવે પર ધરણાં પ્રદર્શન તેમજ હાઇવે ચક્કાજામ કરવામાં આવશે. > અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...