સમસ્યા:પવિત્ર યાત્રાધામ ઉનાઇમાં પીકઅપ બસસ્ટેન્ડ જર્જરિત

ઉનાઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા બનાવાયેલા પીકઅપ સ્ટેન્ડમાં શરૂ થવા પહેલા જ તિરાડ દેખાઇ, મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ

વાંસદા તાલુકામાં આવેલું ઐતિહાસિક ઉનાઈ માતાજીનું પવિત્ર યાત્રાધામ દેશ વિદેશમાં પ્રચલિત છે. માતાજીના દર્શનાર્થે અનેક ભાવિક ભક્તો દૂર દૂરથી આવતા હોય છે, પરંતુ વર્ષોથી ઉનાઈ ગામે બસ સ્ટેન્ડના અભાવે અનેક લોકો અવર-જવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી આટલા મોટા પવિત્ર યાત્રાધામ ખાતે બસસ્ટેન્ડની બાબતે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ઉનાઈ ખાતે કેટલાય વર્ષોથી બસ સ્ટેન્ડની સિવિધા બાબતે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વિધાર્થીઓએ પણ આ બાબતે ખુબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. બસ સ્ટેન્ડના અભાવે ઉનાઈ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનની ખુલ્લી ઉબડ-ખાબડ જગ્યામાં બસો પાર્ક કરવાનો વારો આવી રહ્યો છે. તેમજ મુસાફરોને ઉભા રહેવા બેસવાની જગ્યાઓ ન હોવાને કારણે સ્ટેશન પર આવેલી દુકાનોના ઓટલા પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જોકે બસો દુકાનોની બહાર રોડ પર ઉભી રહેતી હોય છે. જેથી મુસાફરો ઉતાવળે બસમાં બેસતા હોય છે. જેને કારણે રોડ પર ટ્રાફિક પણ થતું હોય છે. તેમજ વાપી-શામળાજી હાઇવે હોય રોડ પર બસો ઉભી રહી મુસાફર બેસાડતી હોય છે. જેને કારણે ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહેલો હોય છે. તેમજ સુરત, બીલીમોરા, ચીખલી જેવા આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓ મંદિરે આવવા બસોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ બસ સ્ટેન્ડના અભાવે અનેકવાર નવા આવતા શ્રદ્ધાળુઓને બસો ક્યાં ઉભી રહેતી હોય છે એ ખબર ન હોવાને કારણે ઘણીવાર શ્રદ્ધાળુઓ મોડે સુધી અટવાતા હોય છે.

પ્રવાસન નિગમ દ્વારા મંદિરના પર્કિંગ પાસે પીકઅપ બસસ્ટેન્ડ બનાવવવામાં આવ્યું હોય પરંતુ આજદિન સુધી આ બસસ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યું ન હોવાના કારણે તંત્રની બેદરકારી સામે આવી છે. બસ સ્ટેન્ડ શરૂ થવા પહેલા જ જર્જરીત હાલત થઇ જતા બસસ્ટેન્ડ આગળ અનેક ખાણીપીણીની લારીઓ મૂકી દેવામાં આવી છે. જેને કારણે બસસ્ટેન્ડ માત્ર શોભના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. તેમજ રાત્રી રોકાણની બસને રાત્રી દરમિયાન પાર્ક કરવા માટે ખુબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જોકે બસોના હાલમાં મંદિરના પર્કિંગમાં પાર્ક કરવાની ફરજ પડી રહી છે. ઉનાઈ ખાતે તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવે એવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

જાળવણીના અભાવે જર્જરિત થયું
પવિત્ર યાત્રાધામ ઉનાઇ દક્ષિણ ગુજરાતનું ઐતિહાસિક ધામ છે. અહીં દૂર દૂરથી અનેક શ્રધ્ધાળુ આવતા હોય છે. બસ સ્ટેન્ડના અભાવે અનેક શ્રદ્ધાળુઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. યાત્રાધામ ઉનાઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉભું કરવામાં આવેલ બસ સ્ટેન્ડ જાળવણીના અભાવે જર્જરિત છે. તો આ બાબતે ઐતિહાસિક યાત્રાધામ બસ સ્ટેન્ડની તાતી જરૂરત હોય બસ સ્ટેન્ડની સુવિધા મળે એવી ગ્રામજનોની માંગ છે. જે બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. > કિશોરભાઇ ભંડારી, સામાજિક કાર્યકર, ઉનાઈ

જરૂરિયાત છતાં ધ્યાને લેવાતું નથી
રવિવારની રજામાં પરિવાર સાથે સુરતથી ઉનાઇ માતાજીના દર્શનાર્થે બસમાં ગયા હતા. જોકે આવતી વખતે બસસ્ટેન્ડના અભાવને કારણે ખુબજ મોડે સુધી બસ પણ મળી ન હોય પરિવાર સાથે ખુબ જ મુશ્કેલી પડી હતી. જેથી આવા પવિત્ર યાત્રાધામમાં બસસ્ટેન્ડની ખુબ જ જરૂરત વર્તાઈ રહી છે. > સુમનભાઇ પટેલ, શ્રધ્ધાળુ

​​​​​​​શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓનો અંત લાવવો ખૂબ જ જરૂરી
ઉનાઇ-ખંભાલિયા બંને ગ્રામપંચાયત અને ઉનાઈ માતાજી ટ્રસ્ટ દ્વારા બસ સ્ટેશનની જગ્યાની ઠારવણી તાત્કાલિક કરવી જોઈએ. જેના થકી પ્રસિદ્ધ યાત્રાધામમાં આવતા પ્રવાસીઓને દર વર્ષે થતા બે મેળા અને ધાર્મિક આસ્થા ધરાવતા લોકોને આવવા જવામાં મુશ્કેલી ન પડે તેના માટે ટોયલેટ-બાથરૂમમાં સાથે સુવિધાસભર બસ સ્ટેશન ઉપલબ્ધ થાય અને રાત્રી રોકાણમાં ઉભી રહેતી બસો માટે સુવિધા થાય એની તાતી જરૂરીયાત છે. જો નિરાકરણ ન થાય તો આવનાર દિવસોમાં આ બાબતે સરકારમાં ઉગ્ર રજુવાત કરવામાં આવશે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉનાઇ યાત્રાધામ માટે જરૂરી સગવડો પૂરી પાડવામાં આવે તે માટે પણ સૂચનો કરાશે. > અનંત પટેલ, ધારસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...