જનતામાં રોષ:બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનના સ્ટેશને સુવિધાનો અભાવ

ઉનાઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા-ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા, રાનકૂવા, વઘઇ રેલવે સ્ટેશન પર શૌચાલય અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી

આદિવાસી વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને એસીકોચ સાથે ચાલુ કરવામાં આવી હતી. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ચાલુ કરાવવા અનેક પક્ષના નેતાઓ મેદાને પડી ગાડી પુનઃ શરૂ કરવા તેમજ પ્રસિદ્ધિ મેળવવાની કોઈ કચાશ પણ બાકી રાખી નહતી. બીલીમોરાથી વઘઇ સુધી આવેલા ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા, રાનકૂવા સહિતના રેલવે સ્ટેશનો પર શૌચાલય તેમજ પીવાના પાણીનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે.

હાલની સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા તેમજ શૌચાલયની અનેક યોજના લાવી હોય એવાં સરકારી રેલવે સ્ટેશનો પર શૌચાલયની અસુવિધા સરકારની પોલ ખોલી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશનો જેવા જાહેર સ્થળ પર શૌચાલય ખંડેર થઈ ગયા હોય શૌચાલયની સુવિધા જ ઉપલબ્ધ નહીં હોય આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રેલવે વિભાગની નિરસતાને પરિણામે ગરીબ આદિવાસીઓની જીવાદોરી સમાન બીલીમોરા-વઘઇ રેલવે લાઈન મરણ પથારીએ છે.

થોડા સમય માટે તો આ ટ્રેન બંધ પણ થઈ ગઈ હતી અને ત્યારબાદ ચાલુ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય વાત તો એ છે કે આ રેલવે લાઇનનો ઉપયોગ ખેડૂતો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. જિલ્લાના ચીખલી, વાંસદા તાલુકામાં આવેલ રેલવે સ્ટેશનને છેલ્લાં કેટલાંય વર્ષોમાં સુવિધાને નામે માત્ર મીંડું મળ્યું છે.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉનાઈ, કેવડી રોડ, ધોળીકૂવા સહિત કેટલાક રેલવે સ્ટેશનમાં એકપણ એવી સુવિધા નથી કે તેને રેલવે સ્ટેશન ગણી શકાય. વડાપ્રધાનના શૌચાલયોના અભિયાન હજી આ રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યું જ નથી એની પ્રતીતિ વર્ષોથી ખંડેર થઈ ગયેલા આ શૌચાલયો કરાવી રહ્યા છે. લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે.

આદિવસી વિસ્તારની પ્રજા સુવિધાના અભાવે વર્ષોથી અગવડતાનો સામનો કરી રહી છે ત્યારે પ્રજાની સમસ્યાનો અંત જનપ્રતિનિધિઓ લાવે તે જરૂરી છે. આ ટ્રેન પાછી ચાલુ થઈ ત્યારે જેટલો ઉત્સાહ દેખાડ્યો એટલો જ ઉત્સાહ જનપ્રતિનિધિઓ રેલવે સ્ટેશનની સુધારણા માટે દેખાડવાની જરૂર છે.

પીવાના પાણી માટે સરકારી હેન્ડપંપ એકમાત્ર આશરો
કોઇપણ સ્ટેશનોએ મુસાફરોની અવરજવર રહેતી હોય તેઓના માટે સૌથી પહેલી પાયાની સુવિધા પાણીની હોવી જરૂરી હોય છે. બીલીમોરા-વઘઇ રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની સુવિધા માટે માત્ર સરકારી હેન્ડપંપ જ છે. આ વિસ્તારની આદિવાસી જનતા માટે રેલવે તંત્રએ હાલમાં વધારેલા ટિકીટના દરો ખર્ચ કરી મુસાફરી તો કરે છે પરંતુ પાયાની સુવિધાના અભાવને કારણે મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. જેની રેલવે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરવાની જરૂર જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...