યાત્રીકોને મુશ્કેલી:યાત્રાધામ ઉનાઇમાં વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ

ઉનાઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો તેમજ બહારથી આવતા યાત્રીકોને મુશ્કેલી પડી રહીં છે
  • બસ સ્ટેન્ડની સુવિધાના અભાવે મુસાફરોને રેલવે સ્ટેશન પાસેની દુકાનોના ઓટલા પર બેસવાનો વારો આવ્યો છે

દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ એટલે ઉનાઈ માતાજીનું ઉનાઈ ગામ જ્યાં રોજે રોજ તેમજ વર્ષે દહાડે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. પ્રવાસન વિભાગ તેમજ સરકાર દ્વારા યાત્રાધામને વિકસાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેમજ પ્રજાને હાલાકી ભોગવવી નહીં પડે એ દિશામાં સરકાર કટિબદ્ધ રહેતી હોય છે. આમ છતાં પવિત્ર યાત્રાધામમાં બસ સ્ટેન્ડની અસુવિધાને લઇ લોકોમાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

રવિવારે ઉનાઈ માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સુરત, મહારાષ્ટ્રથી આવતા શ્રદ્ધાળુઓ જે પહેલીવાર માતાજીના દર્શનાર્થે આવ્યાં હોય છે તેઓ બસ પકડવા માટે મંદિરથી લઇ રેલવે સ્ટેશન સુધી ફાંફા મારતા હોય છે. બસ સ્ટેન્ડના અભાવને કારણે અનેક યાત્રીકો અટવાતા હોય છે. જોકે બસ સ્ટોપના અભાવે યાત્રિકો, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશનની સામે દુકાનોના ઓટલા પર બેસી બસની રાહ જોવી પડે છે. જોકે બસ મેઈન રોડ પર ઉભી રહેતી હોય છે જેથી મેઈન રોડ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને આદિવાસી વિસ્તારના લોકોનું અસ્થાનું કેન્દ્ર ઉનાઈમાં બસ સ્ટેન્ડની અસુવિધા બાબતે તંત્ર વામળુ પુરવાર થઈ રહ્યું હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે ઉનાઈ માતાજીના મંદિરના પાર્કિંગ પાસે પ્રવાસન નિગમ દ્વારા બસ સ્ટેન્ડ બનાવી એસટી નિગમને સોંપવામાં આવ્યું હતું પરંતુ તંત્રની બેદરકારીને કારણે બસ સ્ટેન્ડ જર્જરિત બન્યું હતું.

જેથી એની સામે અનેક દુકાન-લારીઓ ઉભી કરી દેવામાં આવી છે. પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે લાખો રૂપિયા ઉનાઈ ઉત્સવના નામે ખર્ચ કરવામાં આવી રહ્યા હોય તો સુવિધાસભર બસ સ્ટેન્ડ બનવવામાં કેમ નથી આવતું એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

મંદિરના પાર્કિંગમાં રાત્રિ રોકાણ ની બસ
બસ સ્ટેન્ડ નહીં હોવાને કારણે બસોને રાત્રિ રોકાણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હાલમાં મંદિરના પાર્કિંગમાં બસોને રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી રહી છે. જોકે કોરોનામાં પાર્કિંગ બંધ કરી દેવામાં આવતા રાત્રિ રોકાણની બસો મુકવાની મુશ્કેલી પડી રહી હતી. જો બસ સ્ટેન્ડની સુવિધા ઉભી કરવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ થાય એમ છે.

યાત્રીકોને બસ ક્યાં ઉભી રહે એ પણ ખબર નથી
ઘણા વર્ષોથી ઉનાઈમાં બસ સ્ટેન્ડની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનો તેમજ યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બહારથી આવતા યાત્રિકોને બસો ક્યાં ઉભી રહે એ પણ ખબર નથી. જેથી અનેક યાત્રીકો અટવાતા હોય છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ કરી બસ સ્ટેન્ડની સુવિધા ઉભી કરવામાં આવે તો ગ્રામજનો તેમજ યાત્રીકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ થઈ શકે છે. -જેસલભાઈ વાઘેલા, સભ્ય, ખંભાલિયા ગ્રા.પં.

બસ સ્ટેન્ડ બનાવાય તો યાત્રાળુ અને ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ થાય
દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ ગામ વર્ષોથી બસ સ્ટેન્ડની અસુવિધા ભોગવી રહ્યું છે. સરકાર એ દિશામાં વિચારવાની વાત સુદ્ધા કરી રહ્યું નથી. જોકે દર વર્ષે ઉનાઈ મંદિરે ઉનાઈ ઉત્સવના નામે લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે જો આજ રૂપિયામાં ઉનાઈ-ખંભાલિયામાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો મંદિરે આવનાર યાત્રાળુઓ તેમજ ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ થાય એમ છે. જો પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડ જો આ વાતને ધ્યાન પર લેશે તો ઉનાઈ માતાજીના યાત્રાધામનો ઝડપથી વિકાસ થશે. - અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

દુકાનોના ઓટલા પર બેસી બસની રાહ જોવી પડે છે
ઉનાઈ મંદિરે મહિનામાં એકવાર પરિવાર સાથે રવિવારે અચૂક આવીએ છીએ. મંદિરે ગરમ પાણીના કુંડમાં નહાઈ માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરથી વેળા બસ સ્ટેન્ડ નહીં હોવાના કારણે દુકાનોના ઓટલા પર બેસી બસની રાહ જોવી પડતી હોય છે. ઉનાઈ ગામે બસ સ્ટેન્ડની સુવિધા ઉભી કરવામાં આવે એ જરૂરી બન્યું છે. -નીતિનભાઈ પટેલ, શ્રદ્ધાળુ

અન્ય સમાચારો પણ છે...