તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:5 ગામમાં અગ્નિદાહ માટે ના પડાતાં પુત્ર-પાૈત્ર 2 કલાક મૃતદેહ લઈ રઝળ્યાં

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક મણીબેન - Divya Bhaskar
મૃતક મણીબેન
  • નાની વાલઝરના નાના પુત્ર બાદ માતાનું કોરોનાથી મૃત્યુ
  • પોતાના ગામના સ્મશાનમાં સગડી ન હોય જિલ્લા બહાર છેક બારડોલી સંબંધીના અલ્લુ ગામે જવું પડ્યું

વાંસદા પંથકમાં કોરોના મહામારીમાં કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ માતાએ અંતિમ શ્વાસ લીધા બાદ નાની વાલઝર ગામના યુવાને માતાના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાને ભટકવું પડ્યું પરંતુ અગ્નિસંસ્કાર માટે પોતાના ગામ અને નજીકના ગામના સરપંચોએ સલામતીના કારણોસર મંજૂરી નહીં આપતા યુવાને વેદના સાથે અન્ય જિલ્લામાં માતાનો અગ્નિસંસ્કાર કરવો પડ્યો હતો. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે રહેતા કિરીટભાઈ પટેલના ભાઈનું થોડા દિવસો પહેલા કોરોનામાં મૃત્યુ થતા વ્યારામાં અંતિમ સંસ્કાર કર્યા હતા. હજી એ આઘાતમાંથી આ પરિવાર બહાર આવે તે પહેલા જ વધુ એક મૃત્યુ થતા પરિવારનો માળો વિખેરાયો હતો. કિરીટભાઈની માતા મણીબેન વલ્લભભાઈ પટેલને કોરોનામાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

વાંસદા અને નાની વાલઝર ગામનું અંતર ઓછું હોય તેથી તેમણે પોતાની માતાને નાની વાલઝર લાવવાની ઈચ્છા દર્શાવી હતી. નાની વાલઝરમાં તંત્ર દ્વારા સ્મશાનભૂમિ ઉભી કરવામાં આવી છે પરંતુ છ વર્ષથી સગડી નાંખવામાં નહીં આવતા અગ્નિસંસ્કાર થઈ શક્યા ન હતા. જેથી કિરીટભાઈ અને પરિવાર દ્વારા વાંસદા સ્મશાનભૂમિમાં માતાને અગ્નિ સંસ્કાર આપવા વાંસદા પંચાયતના કર્મચારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પંચાયત બોડી દ્વારા વાંસદા ગામના મૃત્યુ પામનાર લોકોને જ વાંસદા મુક્તિધામમાં અગ્નિસંસ્કાર આપવામાં આવશે. બહારના ગામના વ્યક્તિઓને અહીં અગ્નિસંસ્કાર આપવામાં આવશે નહીં. બાદમાં તેમણે ભીનાર અને ખડકાળા સરપંચને પૂછતા તેઓએ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને અગ્નિસંસ્કાર આપવામાં આવતા નથી.

ત્યારબાદ રાણી ફળિયાના સરપંચ દ્વારા પણ ના પડાતા માતાના મૃતદેહને લઈ 2 કલાક રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. છેલ્લે પરિવારમાં પિતા-પુત્ર એમ બે જ વડીલ હોય અન્ય સંબંધીઓનો સહકાર ન મળતા અગ્નિસંસ્કાર માટે બારડોલી તાલુકાના અલ્લુ ગામે તેમના સગાસંબંધીઓ દ્વારા ત્યાં અગ્નિસંસ્કાર કરવાની તૈયારી દર્શાવતા તેમણે ત્યાં અગ્નિસંસ્કાર આપ્યો હતો.

ગામના લોકોને જ અગ્નિસંસ્કારની અનુમતિ
વાંસદાની સ્મશાનભૂમિમાં માત્ર વાંસદા ગામના કોરોનાગ્રસ્ત લોકોને જ અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. આ નિર્ણય વાંસદા પંચાયત બોડી દ્વારા લેવામાં આવ્યો છે. -ધર્મેન્દ્રસિંહ સોલંકી, ડે. સરપંચ, વાંસદા

નદી કિનારે અગ્નિસંસ્કાર કરવા જણાવ્યું છે
ભીનારમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને અમે નદી કિનારે અગ્નિસંસ્કાર કરવા માટે જણાવ્યું છે. ગામની સ્મશાનની સગડીમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે પરમિશન નથી, જેના માટે અમે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ના કહીએ છીએ. - લીનાબેન પટેલ, સરપંચ, ભીનાર

​​​​​​​ભાઈ બાદ માતાના મૃતદેહને પણ ઘરે લાવી ન શક્યાં
મારા ભાઈનું કોરોના કારણે મૃત્યુ પામતા તેના મૃતદેહને વ્યારામાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જોકે મારી માતાનું પણ કોરોનાને કારણે મૃત્યુ થતા તેમના મૃતદેહને પણ અમે અમારા ઘરે લાવી ન શક્યા અને બીજા જિલ્લામાં અગ્નિસંસ્કાર કરવા મજબૂર બન્યા હતા. - કિરીટભાઈ પટેલ, મૃતકના, પુત્ર

અન્ય સમાચારો પણ છે...